પેપરલીક
Gujarat HOI Exclusive Main

શું રાજકારણ લેશે પેપર લીક જેવા સંવેદનશીલ મુદ્દાનો ભોગ?

આજે ફરી એકવાર ગુજરાતની જનતાએ કથળતી જતી રાજનીતિ અને રાજનીતિના સ્તરને પોતાની નજરે જોઇ છે. સભ્યતા, સંસ્કૃતિ, શાલીનતા અને સુરક્ષીતતાની મિસાલ ગણાતા ગુજરાતમાં આજે રાજકીય પક્ષોએ જે રીતનું વર્તન ગુજરાતની જનતા સમક્ષ પ્રદર્શિત કર્યું છે તે ગુજરાત અને ગુજરાતીઓની નજરો ઝુકાવવા માટે પુરતું હતું.

એક અઠવાડિયા પહેલા ગુજરાતના રોજગારી ઝંખતા યુવાનોનું સ્વપ્ન રોળાયુ હતું. ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા હેડ ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું અને 186 જગ્યાઓ માટે દોઢ લાખ યુવાનો પરીક્ષામાં બેઠા હતા. રવિવારે પરીક્ષા યોજાઇ અનેક યુવાનોએ તનતોડ મહેનત કરી અને આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાના સ્વપ્ન પણ જોયા હશે. એક દિવસ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે પુરાવા સાથે જાહેર કર્યું કે પેપર લીક થયું હતું..

શું હતું સરકારનું સ્ટેન્ડ ?

પેપર લીકના સમાચારો મિડીયામાં પ્રસારિત થયા બાદ પણ તંત્ર પહેલા આ વાત સ્વીકારવા તૈયાર ન થયું અને બચાવ માટેના તમામ પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. જોકે સજ્જડ પુરાવા બાદ તંત્રએ વાત સ્વીકારી અને તપાસના આદેશ આપ્યા.. આખી ઘટનામાં પુરાવા જે તંત્રએ શોધવા જોઇએ અને જે યુવાઓના ભાવિ સાથે ચેડા થયા તેમના ન્યાય માટે લડવુ જોઇએ તેના બદલે તંત્ર બચાવની મુદ્રામાં આવી ગઇ હતી. કોઇ રસ્તો ન બચતા સરકાર એક્શન મોડમાં આવી અને કેટલાક લોકોની પોલીસે ધરપકડ પણ કરી, પણ પ્રશ્ન એ છે કે શું તેમાં પારદર્શિતાથી તપાસ કરાશે ખરી ?
આજે આ સમગ્ર મામલામાં જ્યારે આપના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા કમલમ ત્યારે કમલમમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ઉગ્ર થયા હતા અને જે દ્રશ્યો સામે આવ્યા તેમાં ભાજપના કાર્યકર્તાઓ પણ પોલીસની સાથે સાથે આપ પાર્ટી ઉપર ડંડા વરસાવતા જોવા મળ્યા હતા.

લાંબા સમયથી વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ રસ્તા ઉપર

પેપર લીક થયું અને મીડિયાએ તેના પર સતત સવાલો ઉઠાવ્યા અને વિપક્ષની સવાલો પુછવાની જવાબદારી મીડિયાએ નિભાવી. કોંગ્રેસ મેદાને આવી ખરી પણ તેણે માત્ર પત્રકાર પરિષદો કરીને સંતોષ માન્યો. ભવ્ય જીપીસીસીના પ્રાગંણથી નિવેદનબાજી કરતી રહી, બેઠા બેઠા તમામ ગતિવિધિ પર સવાલો ઉઠાવતી રહી. હંમેશની જેમ મોડે મોડે કોંગ્રેસને લાગ્યું કે આ મુદ્દો અગત્યનો છે અને તેને એનકેશ કરવાથી ફાયદો થઇ શકે છે ત્યારે છેક આજે કોંગ્રેસ રસ્તા પર ઉતરી અને કેટલાક શહેરોમાં કાર્યકર્તાઓ સાથે નારેબાજી કરીને આવેદન આપવામાં આવ્યા.
વિપક્ષ તરીકે કોંગ્રેસે આ મુદ્દા પર યુવાનોની સાથે રહેવાનું હતું, એસી કેબીનથી બહાર આવીને આ મુદ્દા પર સતત લડાઇ લડવાની હતી અને ગુનેગારોને પકડવા માટે પોલીસ અને પ્રશાસન પર દબાણ બનાવવા માટે વધુ આક્રમકતાથી પ્રયાસો કરવાના હતા તેવુ રાજકીય નિષ્ણાતોનો પણ મત છે.

આપના પગ જમાવવાના પ્રયત્નો

આપમાં નવા નવા જોડાયેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પેપર લીકને લઇને પુરાવા રજૂ કર્યા અને તે મુદ્દામાં જવાબદાર લોકો સામે બાંયો પણ ચઢાવી. પણ આપના નેતાઓને જાણે કે એમ લાગ્યું કે આખા મુદ્દા પર યુવરાજસિંહ જશ ખાટી જશે તેમ માનીને એક અઠવાડિયા સુધી આખો મામલો મુકદર્શક બનીને જોતા ગુજરાત આપના નેતાઓ આજે તેમના કાર્યકર્તાઓને લઇને ગાંધીનગર સ્થીત ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે ધસી આવ્યા અને ત્યારબાદના જે દ્રશ્યો જે સામે આવ્યા તે આખાયે ગુજરાતના લોકોને વિચારતા કરી મુકે તેવા હતા. કમલમ ખાતે આપનું ટોળુ પહોંચ્યું અને ત્યારબાદ ભાજપ અને આપના કાર્યકર્તા નેતાઓ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું. ભાજપના નેતાઓએે આક્ષેપ કર્યા કે તેઓ હોબાળો કરવાના ઇરાદા સાથે જ આવ્યા હતા અને જબરજસ્તી ધસી આવ્યા હતા. ત્યાર બાદના આખા ઘટનાક્રમમાં સાચુ કોણ અને ખોટુ કોણ એ તો આવનારો સમય નક્કી કરશે. પણ આજની ઘટનાએ સવાલો અનેક ઉપસ્થીત કરી દીધા છે કે આખરે આપના નેતાઓએ પેપર લીક મામલે જ વિરોધ કરવો હતો તો તેઓ કમલમ શા માટે ગયા ? તેઓને વિરોધ કરવો હતો તો ગૌણ સેવા પસંદગી મંડળ જઇ શકતા ? તેઓ અસિત વોરાના નિવાસ સ્થાને જઇ શકતા ? તેઓ કમલમ ગયા અને ટોળુ એકત્રિત કરીને ગયા અને જબરજસ્તી ધસી ગયા અને તે આખા મામલામાં હોબાળાનું કારણ બન્યું. કોણે કોને ઉશ્કેર્યા તે મુદ્દો બને છે પણ શું વિરોધ શાંતિથી ન થઇ શકતો ? તેઓ પોતાની રજૂઆત શાંતિથી કેમ ન કરી શક્યા ?

જે આક્ષેપ પ્રતિઆક્ષેપના દોર આપણે તમામે જોયા તેણે તો ગુજરાતની જનતાને વિચારવા મજબૂર કરી દીધા કે આવા પ્રતિનિધીઓમાંથી આપણે કોઇને ચૂંટવાના છે ? આ લોકો જે સાવ નીચલા સ્તરનું રાજકારણ કરવા પર ઉતારૂ થઇ ગયા છે તેમને આપણે આપણા ગુજરાતનું ભાવિ કેવી રીતે સોંપી શકીએ? આ લોકો જે આજે મારામારી અને ગાળાગાળી પર ઉતરી આવ્યા છે તેઓ શું આપણી ગુજરાતની અસ્મિતાને સાચવી શકવાના?

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share