Uncategorized

ક્યાં ખોવાયું બાળપણ?

જીવન ખુબ જ અમૂલ્ય છે અને તેને મનભરીને માણવું જોઇએ અને જીવન એમજ જીવવું જોઇએ તેવું આપણે અનેક વખત સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે.. પણ સાંપ્રતમાં સમાજની જે પરિસ્થીતી આપણે જોઇએ છીએ તે સમાજનું અને જીવન માટેની વિચારધારાનું જુદુ જ ચિત્ર રજૂ કરે છે. લોકોને લાગે છે કે સમય મુશ્કેલ છે, સમય સ્પર્ધાનો છે. ટકી રહેવા માટે ખુબ પરિશ્રમ કરવો પડે તેવો સમય આવી ગયો છે તેવું મહદઅંશે લોકો માનતા થયા છે. લોકોને એમ કહેતા પણ આપણે સાંભળ્યા છે કે જીવનને એમ જીવવું જોઇએ જેમ બાળકો જીવે છે. બાળકો નિર્દોષ હોય છે અને તેઓ આવતીકાલમાં નહીં પણ આજમાં જીવતા હોય છે તેથી જ તેઓ જીવનનો સાચો આનંદ માણી શકે છે. પણ આજે તો હવે એ પરિસ્થીતી પણ જાણે કે બદલાઇ છે તેવો માહોલ બની રહ્યો છે અને તેવા સમાચારો પણ સામે આવી રહ્યા છે. એક સગીરના પિતાએ તેનો મોબાઇલ રીપેર ન કરી આપતા લાગી આવતા જીવન ટુંકાવ્યાના સમાચાર સામે આવતા અનેક સવાલો સાંપ્રતની સ્થિતીને લઇને ઉભા થયા છે. આ સમાચાર સામે આવ્યા એના બે દિવસ પહેલા સાબરકાંઠામાં 9 વર્ષીય એક નાનકડી બાળકીએ પણ આપઘાત કર્યાના સમાચાર આવ્યા હતા. રાજકોટમાં 10 વર્ષીય એક બાળકીએ ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું..

  • માતા પિતા પાસે નથી સમય
    ટીવી, ગેમ્સના રવાડે ચઢેલા બાળકો કયા રસ્તે જઇ રહ્યા છે તે જોવાનો સમય પણ માતા પિતા પાસે નથી અને માતા પિતા અને બાળકો વચ્ચેની આ ખાઇ વધતી જઇ રહી છે.

બાળકો સાથેના અપરાધના કિસ્સાઓ વધવા કે પછી તેમના ખરાબ આદતોના આદિ થવાની વધતી ઘટનાઓ કે તેમના આવા આપઘાતના કિસ્સાઓ એ સમાજ માટે આંખ ઉઘાડનારો સમય બેશક છે..
જાણીતા મનોચિકિત્સકોના કહેવા મુજબ આ પ્રકારના વધતા કિસ્સા પાછળ બદલાતા સમય અને સમાજની બદલાતી તાસિર જવાબદાર છે. આજના બાળકો મોબાઇલના એટલી હદે એડિક્ટ થઇ ગયા છે કે તેમની દુનિયા એ મોબાઇલની સ્ક્રીન પૂરતી સિમીત થઇ ચૂકી છે. આજના સમયના પરિવારોમાં માતા અને પિતા બન્ને મોટેભાગે વર્કીંગ હોય છે અન તેને કારણે લોકોની જીવનશૈલીમાં ખુબ પરિવર્તન આવી ગયું છે તેના કારણે હવે માતા પિતાને મોટા ભાગનો સમય તેમની કારકિર્દીની પાછળ જ પસાર થાય છે તેના કારણે તેમની પાસે તેમના બાળકો માટે પણ પૂરતો સમય હવે નથી અને તે પણ એક કારણ છે કે બાળકો તેમનો સમય હવે મોબાઇલ પાછળ ખર્ચતા જોવા મળે છે.
બાળકોના ખોટા રવાડે ચઢવા પાછળ કયા કારણો છે જવાબદાર…

આ પ્રકારની વાતો કેમ સામાન્ય થતી જાય છે તે આજનો સૌથી મોટો સવાલ છે. જે બાળકોને જીવન અને મૃત્યુનો ભેદ પણ ખબર ન હોય તે લોકો જીંદગીને ટુંકાવવાનો વિચાર કેવી રીતે કરી શકે તે સામાન્ય માણસની સમજની બહાર છે.



  • વિભક્ત કુટુંબ પણ જવાબદાર
    પહેલા સંયુક્ત કુટુંબની પ્રથા હતી તેના કારણે બાળકોને વડીલોનો સમય અને વડીલોની હુંફ મળી રહેતી. હવે વિભક્ત કુ઼ટુંબ પ્રથા અસ્તિત્વમાં આવી છે અને તેના કારણે આ ન્યુક્લીયર પરિવારોમાં વડીલોની હુંફ અને બાળકોને અપાતા સમયમાં પણ ઘટાડો આવ્યો છે અને તેની સીધી અસર બાળકોના ઉછેરમાં જોવા મળી રહી છે.

  • સ્પર્ધાત્મક વાતાવરણ
    આજનો સમય સ્પર્ધાનો છે અને તમામ માતા પિતાને તેમના બાળકોને નંબર વન અને બીજાથી બહેતર બનાવી દેવા છે તેથી આ પ્રેશર સતત આજના બાળકો પર હોય છે અને તેનો ભાર ક્યારેક બાળકોને ખીલવા દેતો નથી અને તેઓ તેમની માસૂમિયત ગુમાવી બેસે છે.

  • ખોટી સોબતોની અસર
    સમય ખુબ ઝડપથી બદલાઇ રહ્યો છે અને દેખાદેખીમાં બાળકો ખોટી સોબતોના પણ આદિ બની જાય છે તેવામાં બાળકોને સાચા ખોટાનો ભેદ રહેતો નથી. તેમના માતા પિતા પાસે બાળકો કોની સોબતમાં છે તે જોવાનો પણ સમય હવે છે નહીં અને તેના કારણે ક્યારે બાળકો ખોટુ કંઇ કરી બેસે તેનો ખ્યાલ રહેતો નથી.

આ અને આવા અનેક મુદ્દાઓ પર ફરી વિચારવાની હવે તાતી જરૂરિયાત છે. બાકી ખોવાતુ જતુ બાળપણ આપણી આવતીકાલને વધુ નબળી બનાવી દેશે એ નક્કી છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share