newly weds couple in valsad police station
Gujarat

લગ્નની પહેલી રાત પોલીસ સ્ટેશનમાં : વલસાડમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન લગ્ન પતાવી ઘરે જઈ રહેલા દુલ્હા-દુલ્હનની પોલીસે કરી અટકાયત

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના દરની વચ્ચે પોલીસ રાત્રિ કરફ્યૂ દરમિયાન કડક પાલન થાય તેની અમલવારી શરુ કરી છે. વલસાડમાં રાત્રિ કરફ્યૂની કડક અમલવારીનો એક નવદંપતીને લગ્નની પ્રથમ રાતે જ અનુભવ થયો હતો. શહેરની બહાર લગ્નપ્રસંગ પૂર્ણ કરી રાત્રિ કરફ્યૂ દરમિયાન શહેરમાં પ્રવેશી રહેલાં નવદંપતી અને તેનાં પરિવારજનોની પોલીસે અટકાયત કરી હતી. નવદંપતીને લગ્નની રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ શહેરમાં પોલીસની રાત્રિ કફર્યૂની કડક અમલવારીને કારણે પારડી વિસ્તારમાં લગ્ન પૂર્ણ કરી પરત ફરી રહેલાં નવદંપતીએ સુહાગરાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવાનો વારો આવ્યો હતો. નવદંપતીની સાથે અન્ય પરિવારજનોએ પણ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવવી પડી હતી. સવારે તમામનો જામીન પર છુટકારો થયો હતો.

પોલીસ લગ્નપ્રસંગની ગાઈડલાઈન્સનો જ્યારે ભંગ થાય ત્યારે સામાન્ય રીતે વરરાજા કે દુલ્હનનાં પરિવારજનો સામે કાર્યવાહી કરતી હોય છે. દુલ્હા અને દુલ્હન સામે માનવતાને ધોરણે કાર્યવાહી કરાતી નથી હોતી, પરંતુ, ગુજરાતમાં આ પ્રથમ એવી ઘટના છે, જેમાં વલસાડ પોલીસે કફર્યૂ ભંગના મામલામાં દુલ્હા અને દુલ્હનને પણ છોડ્યાં નહોતાં.

લગ્નની પ્રથમ રાત પોલીસ સ્ટેશનમાં વિતાવનાર વરરાજા પીયૂષ પટેલે પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમારાથી થોડું મોડું થઈ જતાં અમે માફી માગી હતી. અમારાં પરિવારજનોએ કહ્યું હતું કે કફર્યૂ ભંગની અમારી સામે કાર્યવાહી કરો અને નવદંપતીને જવા દો, પરંતુ પોલીસ એકની બે ના થઈ અને અમારી સાથે ગેરવર્તન કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ. નેતાઓ જ્યારે કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવે છે ત્યારે જ આ જ પોલીસ આંખ આડા કાન કરે છે, જ્યારે સામાન્ય લોકો સાથે કાયદાની કડક અમલવારીના નામે હેરાનગતિ કરવામાં આવે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share