ex cm vijay rupani gujarat
HOI Exclusive

રાજકોટના રાજકારણમાં ગરમાવો : અંડરબ્રિજ લોકાર્પણ પત્રિકામાંથી વિજય રૂપાણીનું નામ કપાયું

રાજકોટ એ સૌરાષ્ટ્ર્નું અતિ મહત્વનું શહેર તો છે જ પણ રંગીલા રાજકોટનો વિસ્તાર અને વિકાસ ન માત્ર રાજકોટને પણ સૌરાષ્ટ્રની જનતા માટે પણ અતિ મહત્વનો પુરવાર થતો હોય છે. એજ રીતે રાજકોટ એ સૌરાષ્ટ્રના રાજકારણનું પણ મહત્વનું કેન્દ્ર પુરવાર થતુ આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી ચૂંટણી રાજકોટથી લડ્યા હતા અને વજુભાઇ વાળાએ તેમની બેઠક આ ચૂંટણી માટે ખાલી કરી હોવાની વાત પણ સર્વવિદીત છે જ. રાજકોટે ગુજરાતને વિજય રૂપાણીના રૂપમાં મુખ્યમંત્રી પણ આપ્યા છે. રાજકોટને લાંબા સમયથી ભાજપનો ગઢ પણ માનવામાં આવે છે. પણ છેલ્લા થોડા સમયથી સતત ભાજપમાં આંતરિક જૂથબંધીના સમાચારો સામે આવતા રહે છે. અનેક કિસ્સાઓ થોડા સમયથી આપણે સામે આવતા જોયા છે. જોકે ભાજપ મોવડી મંડળ આ સમાચારોને સતત નકારી રહ્યું છે અને સબ સલામતના દાવા પણ કરતુ આવ્યું છે. પણ સોમવારે ફરી એકવાર જૂથબંધીનું પ્રમાણ રાજકોટે જોયું છે.

લક્ષ્મીનગર અંડરબ્રીજનું ઉદ્ઘાટન :

રાજકોટમાં ૪૨ કરોડના ખર્ચે લક્ષ્મીનગર અન્ડરબ્રીજ બનાવવામાં આવ્યો છે અને સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી તેનું લોકાર્પણ કર્યું હતું. આ બ્રીજનું કામ ત્રણ વર્ષથી ચાલી રહ્યું હતું. લગભગ ૪૨ કરોડના ખર્ચે આ બ્રીજ બનાવવામાં આવ્યો છે. કહેવાય છે કે આ બ્રીજના બની જવાથી રાજકોટની ટ્રાફીકની સમસ્યા મોટા પ્રમાણમાં હળવી બનશે. વરસાદી પાણી ભરાઇ જવાની પણ સમસ્યા રાજકોટવાસીઓને સામનો કરવો પડતો હતો તેમાંથી પણ રાહત હવે મળશે, કારણકે પાણી નિકાલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને પાણીનિકાલના પંપ અને સંપ પણ ત્યાં મુકવામાં આવ્યા છે.
લક્ષ્મીનગર અંડર બ્રીજ જ્યાં બનાવવામાં આવ્યો છે ત્યાંથી લાખો વાહનો દરરોજ અવર જવર કરે છે અને હવે તે વાહનચાલકોની હાલાકીમાં ઘટાડો થશે.

ઉદ્ઘાટનમાં જૂથબંધી સપાટીએ :

આપને જણાવીએ કે રાજકોટ એ જ શહેર છે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોમ ટાઉન છે. વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન જ લક્ષ્મીનગર અંડર બ્રીજના કામની શરૂઆત કરવામાં આવી હતી. આ બ્રીજ મંજૂર થયો અને કામ શરૂ થયું ત્યારે લોકમુખે એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું કે મોસાળમાં જમણ અને મા પીરસનાર જેવો ઘાટ સર્જાયો છે કારણકે મુખ્યમંત્રીપદે વિજય રૂપાણી છે અને રાજકોટના પનોતા પુત્ર રૂપાણી પોતાના રાજકોટના વિકાસ માટે સવાયુ કામ કરી રહ્યા છે. જોકે રાજકોટના વિકાસ માટે અને તેની ટ્રાફિકની સમસ્યાના હલ માટે આ બ્રીજ અગત્યનો પણ હતો.
સરકારમાં થયેલી ઉથલપાથલ અને તેમાં પણ મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીની વિદાય અને નવું મંત્રીમંડળ શા માટે એ ચર્ચાઓએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી હતી અને રાજકીય ગલીયારીઓમાં ચર્ચા હતી કે સરકારમાં ‘ભાઇ’ અને ‘ભાઉ’ની લડાઇ ચાલી રહી હતી અને તેમાં ‘ભાઉ’ જીત્યા અને ‘ભાઇ’ની વિદાય થઇ.
જોકે બધી ચર્ચાઓની વચ્ચે વિજય રૂપાણીએ કોઇ જ નિવેદન ન આપ્યુ અને ગરિમા સાથે તેઓએ કહ્યું કે પાર્ટીનો નિર્ણય હતો અને મેં તેનો સ્વીકાર કર્યો છે. પણ વિજય રૂપાણીને સાઇડલાઇન કરવામાં રાજકારણ જ હતું તેવી ચર્ચાઓ તો ચાલી જ રહી હતી.
રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રીજના ઉદ્ઘાટનની પત્રિકામાં ફરી આ પ્રમાણ જોવા મળ્યુ. આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણીના નામની બાદબાકી જોવા મળી હતી અને ફરી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પ્રોટોકોલ મુજબ રાજકોટના તમામ ધારાસભ્યોના નામ હોવા જોઇએ અને તેમાં પણ વિજય રૂપાણીના હોમટાઉનમાં અને તેમણે જ શરૂ કરેલા વિકાય કાર્યનું લોકાર્પણ હોય અને તેમાં તેમનું જ નામ ના હોય તે લોકોના ગળે ના ઉતર્યું.

ભાજપે એવો ખુલાસો કર્યો કે તેઓ હાજર નહોતા રહેવાના એટલે તેમના નામનો સમાવેશ નહોતો કરાયો પણ વિપક્ષ સહિત જનતા આ વાત માનવા તૈયાર નથી. વિજય રૂપાણીના નામની બાદબાકી ઘણુ સૂચવી જાય છે. કોના ઇશારે આ થઇ રહ્યું છે તેને લઇને પણ કાનાફુસી શરૂ થઇ ચુકી છે.

રાજકોટને રાજકીય લેબોરેટરી કહેવાય છે અને રાજકોટમાં જ આ પ્રકારનું રાજકારણ અને રાજકારણની જૂથબંધી ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શું અસર પાડશે તે જોવુ ખુબ મહત્વપૂર્ણ બની રહેશે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પત્રિકામાંથી કપાયું

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share