HOI Exclusive Main

ગુજરાતના રાજકારણમાં ફરી પાટીદાર પોલીટીક્સની એન્ટ્રી !

2022 વિધાનસભાની ચૂંટણીનો માહોલ હવે ગુજરાતની ભૂમિ પર અનુભવાઇ રહ્યો છે. આમ પણ ચૂંટણી વિધાનસભાની હોય, રાજ્યસભાની કે પછી પંચાયતની.. રાજકીય પક્ષોની સક્રિયતા ચૂંટણીઓમાં વધી જ જતી હોય છે. રાજકારણની આ સર્વસામાન્ય તાસીરથી ગુજરાતનું રાજકારણ પણ કેમ બાકાત હોય વળી!

ચૂંટણીટાણે રાજકીય પક્ષો માટે મત હસ્તક કરવા માટે કોઇ પણ મુદ્દો મહત્વનો બની રહેતો હોય છે અને આપણે અનેક વખત જોઇ ચુક્યા છીએ કે નાનો પણ મુદ્દો જે જનતાને સ્પર્શતો હોય તેવો મુદ્દો રાજકીય પક્ષો એનકેશ કરતા હોય છે. 2015માં પાટીદાર આંદોલનના મંડાણ થયા હતા અને તે સમયે ગુજરાતની ભૂમિ પર રાજકીય ઉથલપાથલ સર્જાઇ હતી. પાટીદાર અનામત આંદોલન ગુજરાતની રાજનીતિને અનેક આયામો પર અસરકર્તા પૂરવાર થયું હતું તે વાતને તો નકારી શકાય તેમ નથી. એ આંદોલને ભાજપને 2016ની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટા પાયે અસર પહોંચાડી હતી તો સાથે જ તેના કારણે ગુજરાતની જનતાએ 2017ની ચૂંટણીમાં પણ ભાજપને બે આંકડામાં સમાવી દીધી હતી. એ અસર એવી હતી કે એવુ કહેવામાં પણ આવે છે કે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પદ પરથી રાજીનામું આપી દેવુ પડ્યું હતુ.

એજ 2015ના પાટીદાર અનામત આંદોલનના યુવા ચહેરાઓ પોતપોતાની અનુકુળતા મુજબ કોઇને કોઇ રાજકીય પક્ષ સાથે જોડાણ પણ કરી દીધુ. 2015 થી લઇને 2022 સુધીનો સમય પસાર થઇ ગયો પણ સમયાંતરે પાટીદાર આંદોલન સાથે જોડાયેલી ચર્ચાઓ થતી રહી છે. આંદોલન સમયે જે પાટીદાર યુવાનો પર કેસ કરવામાં આવ્યા હતા તે કેસને પરત ખેંચવાની શરત પાટીદાર આંદોલનને સમેટવા માટે મુકવામાં આવી હતી અને તે માંગને માનવામાં પણ આવી હતી પણ તમામ કેસ પાછા ખેંચવામાં નથી આવ્યા.

કેસ પરત ખેંચવાની માંગ સમય સમયે કરવામાં આવી, ધારાસભ્યો, સંસદ સભ્યો કે સમાજના અગ્રણીઓએ તેને લઇને માંગ સરકાર સમક્ષ કરી પણ તેને લઇને સરકાર દ્રારા કોઇ કાર્યવાહીનો નિર્ણય કરવામાં આવ્યો નથી.

હાર્દિક ફરી મેદાને

છેલ્લા 2 વર્ષથી પાટીદાર આંદોલન સમયના પાટીદાર યુવાનો પરના કેસ પાછા ખેંચવાની વારંવાર માંગ કરવામાં આવી રહી છે અને હવે પાટીદાર અનામત આંદોલનનો તે સમયે ચહેરો બનેલા હાર્દિક પટેલે પણ આ મુદ્દાની માંગમાં ઝંપલાવ્યું છે. હાર્દિક પટેલે સોમવારે નિવેદન આપ્યું છે કે સરકાર પાટીદારો પરના કેસ પરત ખેંચે.

સરકારને 23 માર્ચ સુધીમાં કેસ પરત ખેંચવાને લઇને અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે સરકાર આ અલ્ટીમેટમને ચેતવણી સમજે તો ચેતવણી અને વિનંતી સમજે તો વિનંતી પણ જો સરકાર આ મુદ્દે જો કોઇ નિર્ણય ન લે તો ફરી આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. શહીદ પરિવારને સાથે રાખીને આ માંગ ઉગ્ર બનાવવાની હાર્દિકે વાત પણ કરી હતી. 2022 આવતા જ પાટીદાર પાવરનો સહારોજાતિગત અને જ્ઞાતિગત સમીકરણોને ચૂંટણીમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે તેવામાં પાટીદારોને પોતાના તરફ કરવા માટે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવતા હોય છે. પાટીદારોનો સામાન્ય રીતે વર્ષોથી ભાજપ તરફી ઝુકાવ જોવા મળે છે. તેવામાં કોંગ્રેસ પણ પાટીદારોને પોતાના તરફ આકર્ષિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.

પાટીદાર અનામત આંદોલનના મહત્વના ચહેરાઓમાંના એક ચહેરા હાર્દિકને પોતાની તરફ લઇને કોંગ્રેસે મોટો દાવ ખેલી લીધાનો સંતોષ માન્યો હતો તો આ તરફ ભૂપેન્દ્ર પટેલને અચાનક જ મુખ્યંત્રી બનાવી દઇને પાટીદારોને સંતુષ્ટ કર્યોનો જશ લેવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતના રાજકારણમાં જો જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને રાખીએ તો પાટીદારોને નજરઅંદાજ કરવા કોઇ પક્ષને પોસાય તેમ નથી. તેવામાં હાર્દિકના ફરી પાટીદારોની વાતને લઇને એક્ટીવ થવાના સંકેતને હળવાશમાં ન જ લઇ શકાય… સવાલો તો થશે ? જોકે હાર્દિક પટેલના આ મુદ્દા પર સક્રિય થવાની જાહેરાતની સાથે જ સવાલો તો અનેક ઉભા થઇ રહ્યા છે.

ભાજપે આક્ષેપ લગાવ્યો છે કે હાર્દિક પોતાની ખોવાઇ ગયેલી ઓળખ ફરી બનાવવા માટે વર્ગવિગ્રહ કરાવવા માંગે છે પણ જનતાનું સમર્થન તેને નહીં મળે. આ તરફ કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદથી ગુજરાત કોંગ્રેસની જેમ જ સુસ્ત જોવા મળતા હતા. આ મુદ્દાથી જાણે હાર્દિક પણ ચાર્જ અપ થવા માંગતા હોય તેમ લાગે છે. ત્રીજુ કારણ જનતાના મનમાં એ પણ ઘુમરાઇ રહ્યું છે કે, થોડા દિવસોથી ગુજરાત કોંગ્રેસની પકડ વધુને વધુ ઢીલી થતી જાય છે અને તેના કારણે કોંગ્રેસે પણ ગુજરાતની જનતા વચ્ચે વિશ્વસનીયતા કેળવવા માટે મરણિયા પ્રયાસ કરી રહી છે. તેમાં તેમના કાર્યકારી અધ્યક્ષનો ચહેરો અન તેની સાથે જોડાયેલો એજ જુનો મુદ્દો કદાચ ફાયદો કરાવી શકે તેવી માનસિકતા સાથેનો કોંગ્રેસનો આ પ્રયાસ હોઇ શકે છે. રાજનીતિ છે આ અને તેમાં કંઇ પણ થઇ શકે છે.

રાજકારણ અને સત્તા લાલસા કોઇપણ મુદ્દો બનાવી પણ શકે છે અને તે મુદ્દાને જીવતો કરીને તેને પોતાના તરફી પવન બનાવી પણ શકે છે. પાટીદાર પાવરને લઇને ફરી કરાયેલી હાર્દિકની આ જાહેરાત આગળ કયો અને કેવો રંગ પકડે છે તે તો આવનારા સમયમાં જ સ્પષ્ટ થઇ શકશે…

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share