સોમવાર
Literature

સુનામીનું બીજું નામ એટલે સોમવાર !

સોમવાર એટલે મહાદેવજીનો વાર. મહાદેવજી સૌના પ્રિય ભગવાન કારણ કે એ ખુબ જલ્દી પ્રસન્ન થાય. મહાદેવજીને રીઝવવા ઘણાં લોકો શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ રાખે. અમુક આખો મહિનો ઉપવાસ રાખે. પુરુષો દાઢી ન કરે. સ્ત્રીઓમાં સોળ સોમવારનું વ્રત રાખવાનો પણ રીવાજ છે. આવું બધું કરવાથી દેવાધિદેવ પ્રસન્ન થાય એવું મનાય છે. પણ ઓફિસમાં સોમવારે ગમે એટલું કામ કરો દિવસના અંતે બોસ પ્રસન્ન થાય એવી કોઈ ગેરંટી નથી. ઓફિસના સોમવાર અમુક તમુક મહિના અથવા સોળ એવા કોઈ આંકડાને મોહતાજ નથી. આસ્તિકો એમ કહે કે સઘળું ભગવાન ઉપર છોડી દો. નોકરિયાત માણસ સોમવાર સવારે ઓફિસમાં કાર્ડ સ્વાઈપ કરે એટલે એ બોસને આધીન થઈ જાય છે. આમ છતાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના સમયે આ બોસાધિન થઈ કરેલા અનેક કામ બોસને દેખાતાં નથી. 

સોમવારનો સ અને સ્ટ્રેસનો સ, બેઉમાં સ આવે. સુનામીમાં સ આવે. સ્ત્રીમાં પણ સ આવે. સાસુ, સસરા, સાળા અને સાળીમાં પણ સ આવે. સ અક્ષર જ કદાચ જોખમી છે. સોમવારે સૌથી વધારે હાર્ટ એટેક આવે છે એવું મેડીકલ રીસર્ચ કહે છે. વિદેશમાં તો વિકેન્ડ બે દિવસનો હોય. ત્યાં કોઈ શનિ-રવિમાં કામ ન કરે. શુક્રવાર રાતથી પાર્ટી ચાલુ થઈ જાય. સોમવારે એનો હેન્ગઓવર હોય. માથું પકડાયેલું હોય. એમાં કેટલાયને રજા પાડવી પડે. આમ અન્ય લોકો રજા પર જાય એટલે જે સોમવારે નોકરી પર આવ્યું હોય એનો વારો નીકળી જાય. જો વિકેન્ડ શનિ-રવિને બદલે રવિ-સોમનો કરી નાખવામાં આવે તો કેટલાં જીવ બધાં બચી જાય? એક તો માણસ મૂળભૂત રીતે આળસુ હોય, એમાં રવિવારે આરામ કર્યો હોય. એટલે એકબાજુ અઠવાડિયામાં પુરા કરવાના કામ સામે મોઢું ફાડીને ઊભા હોય અને બીજી તરફ રવિવારે ચઢેલી આળસ પગ ખેંચતી હોય. ગધેડા ઉપર સો કિલોની ચાર થેલીઓ મૂકી દીધી હોય અને જેમ એ ખોડંગાતો ખોડંગાતો ચાલે, એમ સોમવારે અમુકનું શરીર અને મગજ ચાલતું હોય છે. એને ખુરશી ચટકા ભરે છે. કોમ્પ્યુટર પર બેસે, એટલે કે બેસે ખુરશીમાં પણ કોમ્પ્યુટર ઓન કરી કી-બોર્ડ પર હાથ જમાવે તો આંગળીઓ થીજી ગઈ હોય એવું લાગે છે. મગજમાં પણ લોહીનું ભ્રમણ ઓછુ થતું હોય એવું પણ લાગે. ઓફિસમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હોય એમ ગૂંગળામણ થાય. ભારતમાં ચા અને અમેરિકામાં હોય એને કોફી પીવાની અદમ્ય ઈચ્છા થાય. અને પટાવાળો કપ મૂકી જાય ને ચા ગળામાં ઉતરે પછી પરિભ્રમણ ચાલુ થાય.

સોમવાર જતો રહે એટલે મંગળવાર આવે. પણ મંગળવારે લોકો વધુ ખુશ હોય છે એવું પણ નથી. મંગવારે પણ એજ દિવેલીયા ડાચાં લઈને માણસો ઓફિસમાં જાય છે. મંગળવાર જાય એટલે બુધવાર આવે. બુધવારે અડધું અઠવાડિયું પતી ગયું એનો આનંદ કેટલાંક આનંદી કાગડાઓ અને કાગડીઓ ઉઠાવતા હોય છે. પણ મોટા ભાગના શુક્રવારે વિક પૂરું થવાની ખુશાલીમાં લંચ પછી કામ કરવાનું બંધ કરી દે છે. પણ વચ્ચે ગુરુવારે આવું કશું નથી થતું, માટે ગુરુવારે લોકોએ દુઃખી હોવું જોઈએ. પણ લોકો ગુરુવારે સવિશેષ દુઃખી નથી હોતાં, જે બતાવે છે કે માત્ર સોમવાર સાથે જ સિન્ડ્રેલા જેવું ઓરમાયું વર્તન કરવામાં આવે છે. રીતસરનો પૂર્વગ્રહ ઊભો કરવામાં આવ્યો છે સોમવાર માટે. અમારા મતે આ પૂર્વગ્રહ માટે સોશિયલ મીડિયા જવાબદાર છે.

સોમવારે સોમવારની નિંદા કરવાનો રીવાજ સોશિયલ મીડિયા પર અતિ-પ્રચલિત છે. સોમવારે ઓફિસ આવી, ઓફિસનું ઈન્ટરનેટ વાપરી, ઓફિસ ટાઈમમાં, ચાલુ નોકરીએ, ફેસબુક પર લોગ થઈ સોમવારને અમુક લોકો ગાળો દે છે. આ નિંદા કરનારને સોમવારનો પણ પગાર મળે છે એ ભૂલી જાય છે. એટલું જ નહી એ હકથી લે છે. કોઈએ સોમવારના વિરોધ કરવા ‘અમે હવે સોમવારનો પગાર નહી લઈએ’ એવું કહ્યું હોવાનું જાણમાં નથી. પણ ફેસબુક પર તો લોકો જાણે સોમવાર વિલન હોય તેમ, ગુગલ કરીને, જ્યાં-ત્યાંથી સોમવાર વિરુદ્ધ લખાણ શોધી બળાપો કાઢે છે. ઘણા ‘આજે સોમવાર છે’ ને ટૂંકામાં ટૂંકી હોરર સ્ટોરી કહે છે. કોક એવો સવાલ કરે છે કે શુક્રવારથી સોમવાર કેમ આટલો નજીક છે અને સોમવારથી શુક્રવાર કેમ આટલો દૂર છે? અમુક તો Monday ને Moanday કહે. પણ અમે જો બોસ હોઈએ તો મંગળવારને પણ સોમવાર-૨ જાહેર કરી દઈએ. છો બખાળા કરતાં લોકો.

અમેરિકા ઉપર આપત્તિ આવે અને એ આપત્તિમાં પોલીસ, ફાયરબ્રિગેડ અને ત્યાનો હીરો બધાને ઉગારી લે એવા થીમની અનેક ફિલ્મો બની છે. આમ છતાં હજુ સોમવાર નામની રીકરીંગ આપત્તિની ત્યાંની ફિલ્મોમાં નોંધ નથી લેવાઈ એ બતાવે છે કે અમેરિકન ફિલ્મ પ્રોડ્યુસર્સ પણ કેટલી બીબાઢાળ ફિલ્મો બનાવે છે. ખરેખર તો જેમ સુનામીનું મોજું આવે અને બીચ પરના લોકો ભયાવહ થઈ દોડવા લાગે એમ સોમવાર નામના સુનામી મોજાથી બચવા લોકો મુઠીઓ વાળીને દોડતા થઈ જાય છે. અલબત્ત માનસિક રીતે જ. આવી કોઈ ફિલ્મ હોલીવુડમાં બનવી જોઈએ.

છતાં ઘણા એવા પણ જોયા છે કે જે સોમવાર અંગે કોઈ કકળાટ નથી કરતાં. જેમ કે ગલ્ફ કન્ટ્રીઝના લોકો કે જ્યાં શુક્રવારે રજા હોય છે. ઇન્ડિયામાં પણ અમુક એવા છે જેમને વીકલી ઓફ રવિવારે નથી હોતો. આમાં બોસ પ્રકારના લોકો પણ આવે કે જેમણે કામ કરવાનું નહી, કરાવવાનું હોય છે. કેટલાંક બેકાર પણ હોય છે. અમુક ખેતી કરતાં હશે. ડોક્ટરોને સોમવારે વધારે પેશન્ટ હોય, રવિવારના પેટ પકડીને બેઠાં હોય એવા. લીસ્ટમાં સરકારી કર્મચારીઓને પણ મૂકી શકાય. આ સિવાય થોડાં કુંવારા હોય. આ લોકોને કદી સોમવાર નથી નડતો. જોકે પરણેલાઓમાં પણ ઘણા એવા હોય છે કે જે સોમવારની રાહ જોતાં હોય છે!  

અધીર અમદાવાદી ગુજરાતી નવી પેઢીના જાણીતા હાસ્યલેખક છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share