મહાબળેશ્વર
Food & Travel

ચાલો ફરવા જઈએ : મહાબળેશ્વર અને પંચગીની દરેક સીઝનમાં જઈ શકાય તેવા સ્થળો !

મહાબળેશ્વર તથા પંચગીની. અમુક જગ્યાઓ માટે સામાન્ય રીતે એવી છાપ હોય છે કે આ જગ્યા તો ખુબ જ ભીડ વાળી હોય છે એટલે ફરવાનો આનંદ ના લઈ શકાય. પણ હકીકતમાં તો દરેક જગ્યા એ જગ્યા વિશેષ હોય છે જો એ મળી જાય તો મજ્જા જ મજ્જા.
મહાબળેશ્વર એટલે મહારાષ્ટ્રનાં સતારા જિલ્લામાં આવેલું એક હિલ સ્ટેશન. ખુબ જ સારો જંગલ વિસ્તાર પણ ત્યાં આવેલો છે પરંતુ ખુબ જ વધારે પડતા કોમર્શિયલાઈઝેશનનાં લીધે જંગલ નો ભાગ ઓછો જોવા મળે છે. પ્રકૃતિ એ પોતાનું સૌંદર્ય ખોબલે ખોબલે વેર્યું છે આ જગ્યાઓ ઉપર. પણ તો જ માણી શકાય જો ખરા સમયે જાવ તો. તે જ રીતે ત્યાંથી ફક્ત 20 કી.મી નાં અંતરે આવેલું પંચગીની ખરા અર્થમાં પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપુર છે. ત્યાના વાતાવરણમાં એક અલગ જ પ્રકારની શાંતિ છે જે મનને પણ શાંત કરે છે.તથા પુના અથવા મુંબઈથી મહાબળેશ્વર પહોચવાનો રસ્તો પણ પોતાનામાં એક સુંદર ડેસ્ટીનેશન છે.  

કેવી રીતે પહોચવું? 

જો ટ્રેન દ્વારા જવું હોયતો વાથર એ સૌથી નજીકનું સ્ટેશન છે જે મહાબળેશ્વરથી 60 કી.મી દુર છે પરંતુ સગવડતા પ્રમાણે જો પુના ઉતરવામાં આવે તો ફ્રિકવન્સી વધુ રહે છે વાહનો મળવાની. જો બસ દ્વારા જવું હોય તો મુંબઈ તથા પુનાથી ખુબ જ મોટા પ્રમાણમાં પ્રાઈવેટ તથા મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટની બસ મળી શકે છે.જો પ્લેન દ્વારા જવું હોય તો નજીકનું એરપોર્ટ પુના છે અને ત્યાંથી ટેક્ષી અથવા બસ દ્વારા પહોચી શકાય છે. 

ક્યારે જવું? 

આમ તો મહાબળેશ્વર તથા પંચગીની બારે મહિના જઈ શકાય છે તથા દરેક ઋતુમાં ત્યાં જવાનો એક અલગ જ ચાર્મ છે. 

ડીસેમ્બર થી ફેબ્રુઆરી : આ સમયગાળા દરમિયાન ઠંડી સારી એવી હોય છે અને આ સમયગાળો ત્યાં જવા માટે શ્રેષ્ઠ કહી શકાય.

માર્ચ થી જુન: આ ગરમી નાં સમયગાળા દરમિયાન પણ ત્યાંનું વાતાવરણ આહલાદક હોય છે તથા વેકેશનનો લાભ મળે છે.

જુન થી સપ્ટેમ્બર : આ સમયગાળામાં વરસાદની ઋતુ નાં કારણે પર્વતીય સૌંદર્ય ને ખુબ જ સારી રીતે માણી શકાય છે. લીલાછમ વ્રુક્ષો વચ્ચે થી પસાર થવા એ પોતાનામાં જ એક અનેરો આનંદ છે તથા ઓફ સિઝન હોવાના લીધે ઘણા ઓછા ખર્ચમાં ફરી શકાય છે.

ઓકટોબર થી નવેમ્બર : ગુલાબી ઠંડીની આ મોસમમાં પણ ત્યાનું વાતાવરણ ખુબ જ આહલાદક અને ચોખ્ખું હોય છે. 


જોવાલાયક સ્થળો: 

  • મહાબળેશ્વર મંદિર. 
  • પ્રતાપગઢ ફોર્ટ
  • મેપ્રો ગાર્ડન તથા સ્ટ્રોબેરી ફાર્મસ 
  • એલીફન્ટ’સ હેડ પોઈન્ટ 
  • વેન્ના લેક 
  • સનસેટ તથા સનરાઈઝ પોઈન્ટ
  • મહાબળેશ્વર માર્કેટ.
     

પંચગીની 

ટેબલ લેંડ જવા માટે ટ્રેકિંગ કરીને પણ જઈ શકાય છે અને ટેક્ષી દ્વારા પણ જઈ શકાય છે. ખુબ જ ફેમસ જગ્યાઓમાંની એક જગ્યા એટલે ટેબલ લેન્ડ. ત્યાં ઘોડાગાડીનો આનંદ લેવા જેવો ખરો. અને ત્યાં જ જુદા જુદા સાઈટ સીઈંગનાં પોઈન્ટ છે. 


રોકાણ : 

મહાબળેશ્વર તથા પંચગીની બંને જગ્યા એ દરેક પ્રકારની હોટેલો, ધર્મશાળાઓ અને અલગ અલગ જ્ઞાતિઓનાં સેનેટોરિયમ આવેલા છે. પોતપોતાની અનુકુળતા તથા બજેટ પ્રમાણે મળી શકે છે. પણ મારા મત પ્રમાણે રોકાણ પંચગીની માં કરવું જ યોગ્ય છે તો જ સાચા અર્થમાં ભીડ ભાડથી દુર ફર્યાનો આનંદ મળશે. ત્યાં ઘણાં બધા સારા સારા સેનેટોરિયમ છે જેમાં સૌથી સરસ છે શારદા આરોગ્ય ધામ. અને પંચગીની રોકાઈ ને એક એક દિવસ કરી ને ટેક્ષી દ્વારા મહાબળેશ્વર, પ્રતાપગઢ જેવી જગ્યાઓ એ ફરી શકાય છે. 

શોપિંગ: 

શોપિંગ રસિયાઓ માટે મહાબળેશ્વરનું માર્કેટ સ્વર્ગ સમાન છે. ખુબ જ બધા પ્રકારની અલગ અલગ વસ્તુઓ ત્યાં મળી રહે છે. જેમાં ખાસ ચપ્પલ, પર્સ લાકડાની વસ્તુઓ છે. બ્રાન્ડેડ ચંપલની ખુબ જ સારી નકલ ત્યાં મળે છે. જે ખુબ જ ટકાઉ પણ હોય છે, આ ઉપરાંત મેપ્રો, માલા જેવી કંપનીમાંથી શરબત, મધ, જેલી જેવી વસ્તુઓ પણ ખુબ જ સારી અને ફ્રેશ મળે છે. 

તો કરાવો બુકિંગ અને ઉપડી જાઓ મહાબળેશ્વર તથા પંચગીની.

શ્લોકા પંડિત જાણીતા વકીલ, લેખિકા અને ટ્રાવેલર છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share