હેરિટેજ ફૂડ અમદાવાદ
HOI Exclusive Main

અમદાવાદનું હેરિટેજ ફૂડ 200 વર્ષ પછીયે આજે જીવંત છે !

અમદાવાદની સ્થાપના 26મી ફેબ્રુઆરી, 1411ના રોજ બાર બાવા, ચાર અહમદ અને એક માણેકનાથ બાવાની હાજરીમાં પહેલી ઈંટ મુકાઈ હતી. અમદાવાદ ત્યારથી લઈને આજે લોકોમાં ખૂબ જ પ્રિય રહેલું છે. અમદાવાદ ભારતનું સૌથી પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી છે. આ બિરુદ એટલે આપવામાં આવ્યું છે કે, અહીંનો વારસો આજે પણ જીવંત છે. લોકોએ આજની તારીખે પણ પરંપરાને જાળવી રાખી છે અને તેની જાળવણી કરવામાં સહેજેય કચાશ રાખી નથી!

સસ્તું નમતું ઉધાર અને મફત શોધનારા અમદાવાદીઓ લોકોને આજે પણ હોંશે હોંશે ખવડાવે છે તેટલા ઉદાર અમદાવાદીઓ છે. પક્ષીઓના ચણની શરતથી લઈને લોકોને પાણી પીવડાવવાની શરત આજે પણ આ શહેરમાં અકબંધ રહેલી છે. અમદાવાદનો ફૂડ વૈભવ આજે પણ જીવંત છે તો ચાલો આજે સ્વાદની સફર કરીએ આ લેખમાં.

કંદોઈ ભોગીલાલ મૂળચંદ

કંદોઈ ભોગીલાલ મૂળચંદની સ્થાપના વર્ષ 1845માં થઇ હતી. લોકોના તહેવારોની ઉજવણીમાં મીઠાશનો એક સ્વાદ ઉમેરવા માટે થઈને ભોગીલાલ અને મૂળચંદ નામના બે ભાઈઓએ કંદોઈ ઓળમાં પરંપરાગત મીઠાઈ વેચવાની શરૂઆત કરી હતી અને આ પરંપરાગત મીઠાઈ એટલે આપણા સૌનો વ્હાલો એવો લચકીલો દાણાદાર મોહનથાળ. એ વખતના જમાનામાં મોહનથાળમાં વપરાતી દાળને ચક્કીમાં પીસવામાં આવતી અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેને બનાવવામાં આવતો હતો, આજે આધુનિક મશીનરી આવી ગયા પરંતુ સ્વાદ આજે પણ અદ્દલ એવો જ રહેલો છે કે જે 1845માં હતો. જમાનો બદલાયો તેમ મીઠાઈઓ વધતી ગઈ અને તેમના સ્ટોર શહેરમાં વધવા લાગ્યા પરંતુ આજે પણ 176 વર્ષે તેમની જગ્યા અને સ્વાદમાં કોઈ ફેરફાર નથી.

આજે પણ કંદોઈ ભોગીલાલ મૂળચંદ પોતાની જૂની જગ્યાને વરેલા અને પાંચમી પેઢીએ પોતાના ધંધાને શરુ રાખ્યો છે.

ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ

રિચી રોડના અડ્ડા પર હોટેલ એક વખણાય,

જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના મોટા ખાય”

આ ગીત કોણે નહીં સાંભળ્યું હોય? મા બાપ ગુજરાતી ફિલ્મમાં અસરાની અભિનીત અને કિશોર દાએ ગાયેલું “અમદાવાદનો રિક્ષા વાળો” ગીતમાં આ પંક્તિઓ છે અને તે છે એક માત્ર હોટેલ “ચંદ્રવિલાસ” માટે. એક જમાનો એવો હતો કે અહીં દિવસ રાત બે બંબા ચાલતાં રહેતા હતા, એક દાળનો બંબો અને બીજો ચાનો બંબો. અહીંની દાળ લેવા માટે લાંબી લાઈનો લાગતી હતી અને દાળની સોડમ તો છેક ખાડિયા ચારરસ્તા અને બીજું બાજુ ત્રણ દરવાજા સુધી પહોચે.  લોકો માત્ર ડોલચું લઈને દાળ લેવા માટે આવે. એવી જ રીતે ચંદ્ર વિલાસની ચાનો પણ દબદબો રહ્યો છે. દિવસની 18,000 કપ ચા ચંદ્રવિલાસ વેચતું. ચંદ્ર વિલાસનું વીજળી મીટર તે અમદાવાદનું “ત્રીજા” ક્રમાંકનું વીજળી કનેક્શન છે. એ જમાનામાં ત્યાનું ફર્નિચર અને વીજ ઉપકરણો ફ્રાન્સથી દરિયાઈ માર્ગે લાવેલા અને તેને જોવા માટે પણ લાઈનો લાગતી હતી. ચંદ્ર વિલાસ ભારતની એ માત્ર એવી રેસ્ટોરન્ટ કે જેણે એક આનામાં ગુજરાતી થાળીની શરૂઆત કરેલી અને આજે જગ વિખ્યાત થયેલી ગુજરાતી થાળી એ ચંદ્ર વિલાસની દેણ છે! દશેરાના દિવસે ફાફડા સાથે જલેબી ખાવાની પ્રથા પાડનાર એ ચંદ્રવિલાસ જ છે અને તે પ્રથા આજે પણ અમદાવાદીઓએ જાળવી રાખી છે અને અંદાજે 400 કરોડ રૂપિયાના ફાફડા અમદાવાદીઓ દશેરાએ ઝાપટી જાય છે! ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ,ઇન્દુલાલ યાજ્ઞિકથી માંડીને અમિતાભ બચ્ચન અને જયેશ મોરે સુધીની પેઢીએ જલેબી ફાફડાની લિજ્જત માણી છે.

તસવીર સૌજન્ય : ધ દૂરબીન

ઈતિહાસ પર ડોકીયું કરીએ તો, મૂળ સિદ્ધપુરના વતની આ યુવાનના પૂર્વજો અનેક સદીઓ પહેલાં ઉદયપુર પાસે આવેલા પવિત્ર યાત્રાધામ શ્રીનાથજીથી 13 કિ.મી. દૂર આવેલા બામેડા ગામમાં વસ્યા હતા. આ યુવાનનો જન્મ પણ આ જ ગામમાં થયો હતો. એક દિવસ આ કિશોરને નસીબ અજમાવવાનો વિચાર થયો અને તેમણે અમદાવાદની વાટ પકડી. આ પહેલા ક્યારેય નગર જોયું ન હતું. તેથી અમદાવાદ રેલવે સ્ટેશન પર બેઠા-બેઠા વિચારતા હતા ક્યાં જવું? એટલામાં એક સજ્જનની નજર તેમના પર પડી. આ કિશોર તેમને સારા ઘરનો લાગ્યો. કદાચ તે ઘરથી નાસીને આવ્યો હોય તેમ લાગ્યો. પરંતુ નસીબ અજમાવવા નિકળેલા કિશોરનો આત્મવિશ્વાસ જોઇને તે સજ્જન રાજી થયા અને પોતાની સાથે લઇ ગયા. કિશોરને પહેલાથી જ રસોઇ કરવાનો શોખ હોવાથી ત્યાં રસોઇ કરવા લાગ્યા. એક દિવસે તે સજ્જને એ કિશોરનો હાથ જોયો. હાથમાથી ધન રેખા જોઇને તેમણે એને સલાહ આપી કે તારે ઘણું આગળ વધવાનું છે અને મારે તારી સેવા લેવી નથી. તું મહેનત કર અને આગળ વધ. અને એ કિશોરનો રહ્યો સહ્યો આશ્રય પણ જતો રહ્યો, છતાં તે નાસીપાસ થયો નહીં અને ત્રણ સાથીઓની સાથે ચાની રેંકડી શરૂ કરી.

આમ, 19મી સદીના અંતમ દશકામાં રિચી રોડ પર ચાર યુવાનોએ મળીને ચાની રેંકડી શરૂ કરી. ફૂટપાથ પર શરૂ થયેલો આ પ્રયોગ નિષ્ફળ જતાં ત્રણ સાથીઓ રાજીખુશીથી છુટા પડ્યા. હવે એમાંથી ચોથો યુવાન એકલો રહી ગયો. શું થયુ એ તો ખ્યાલ નથી પણ એમાંથી ત્રણ યુવાનો ભાગીદારીમાંથી ખસી જતા આ ચોથા યુવાનનાં નસીબ આડેનું પાંદડુ ખસી ગયું અને ઉકળતી ચાની ભરેલી કિટલીઓ ફટાફટ ખાલી થવાં લાગી!! ચા સાથે ટોસ્ટ, બિસ્કિટ, નાનખટાઇ અને નાસ્તો વેચવાનો શરૂ કર્યો. ધીરે-ધીરે રેંકડી જામી ગઇ. એ યુવાને પેલા ત્રણ ભાગીદારોને પાછા બોલાવવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ તેઓ હવે પાછા આ ધંધામાં આવવા તૈયાર નહોતા. બે રૂપિયા કમાયા એટલે આ યુવાનને રેંકડીને વ્યવસ્થિત સ્વરૂપ આપવાનો વિચાર થયો. એટલે નજીકની એક દુકાન ભાડે લેવામાં આવી. ગ્રાહકો બેસીને ચા-નાસ્તો કરી શકે તે માટે મેજ-ખુરશી બનાવવામાં આવ્યા. સન 1900ની આસપાસ શહેરની પ્રથમ રેસ્ટોરાં આ રીતે શરૂ થઇ.

આ યુવાન હતા, સ્વ. ચીમનલાલ જોશી અને એમણે જે હોટલ/રેસ્ટોરાં ચાલુ કરી એનું નામ એમણે એમના દાદાના નામ ચંદ્રભાણ પરથી રાખ્યું ચંદ્રવિલાસ હોટેલ!! નદીપારનું અમદાવાદ તો એ સમયે માત્ર જંગલ હતું, ત્યારે ગાંધીરોડ અને રીલીફ રોડ રાજમાર્ગ ગણાતા હતા. રાજસ્થાનથી આવેલા બ્રાહ્મણ ચીમનલાલ હેમરાજ જોશીએ ૧૯૦૦ની સાલમાં ગાંધીરોડ ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી ત્યારે પહેલાં અહીં એક પોસ્ટ ઓફિસ અને ઘોડા બાંધવાની જગ્યા હતી. ચંદ્રવિલાસના મૂળ સ્થાપક ચીમનલાલ જોશીના પૌત્ર માલવ જોશીના જણાવ્યાનુસાર દાદાએ ચંદ્રવિલાસ શરૂ કરવા માટે ઘરેણાં ગીરવે મૂક્યા હતા. બે પટેલો તેમના ભાગીદાર હતા અને હોટેલની શરૂઆત થઇ હતી!

જુના શેર બજારનું ચવાણું

આજથી 100 વર્ષ પહેલા અચરતલાલ નાગર અને તેમનો પરિવાર રોજી રોટી રળવા માટે રાજસ્થાનના ઝાલોરથી અમદાવાદ ખાતે ખાતે આવેલું હતું અને ચવાણા અને પરચુરણ પસ્તીઓની લારી ફેરવી આજીવીકી મેળવતું હતું. તેઓ માણેકચોક ખાતે આવેલા શેરબજાર ખાતે રોજ સાયકલ અથવા લારી લઈને ઉભા રહેતા અને રિંગ ચાલતી હોય અને લોકોને ભૂખ લાગે તો દોડીને સીધા આવીને તેમના પાસેથી ચવાણાનું પડીકું લઇ જાય. આમ જોતા તેમને જુના શેરબજારના ટ્રસ્ટને વિનંતી કરી અને ટ્રસ્ટે વર્ષ 1921માં તેમને ઓટલાની જગ્યા આપી અને પરવાનો આપ્યો. સાત રૂપિયે ભાડે શરુ થયેલી આ જગ્યા પછી ચવાણા માટે પ્રસિદ્ધ બનતી ગઈ.

અમદાવાદમાં ચવાણું વેચવાની શરૂઆત અને ખાસ કરીને કસ્ટમાઈઝ ચવાણું તમને ગમે તે રીતે બનાવી આપે તેની શરૂઆત જુના શેરબજાર ચવાણાએ કરેલી. આજે પણ તેમની જૂની જગ્યાએ તેઓ અડીખમ છે અને ચવાણું વેચી રહ્યા છે. આજે પણ ત્યાં મુલાકાત લ્યો તો ગણપતભાઈ નાગર મળે જે અચરત લાલના દીકરા છે અને સાથે વિવિધ ભારતી રેડિયો સંભળાતો મળે. આજે પણ અહીંનું ચવાણું સલમાન ખાનના ઘરે અને અંબાણી પરિવારને ત્યાં જાય છે!

દાસ ખમણ

વર્ષ 1922માં મોહનદાસ પીતાંબરદાસ ઠક્કરે દાસ ખમણની શરૂઆત કરેલી. મૂળ તો અમરેલીની બાજુમાં ચલાળાના નિવાસી મોહનદાસ રોજીરોટી મેળવવાની શોધમાં સુરત ખાતે ગયેલા અને ત્યાં ખમણની દુકાનમાં કામ કરતાં કરતાં તેઓ ખમણ બનાવવાનું શીખેલા.  સુરતમાં વાટીદાળના ખમણનું ચલણ વધારે અને તેમાં ખૂબ જ દાખડો વેઠવો પડતો હતો અને તેઓ શીખ્યા પણ ખરા અને નોકરી મુકીને તેઓ પોતાનો ધંધો શરુ કરવાનું વિચાર્યું. જેમના નામમાં મોહન હોય અને નીતિ ના હોય તેવું બને નહીં તેમના શેઠને વિનંતી કરી અંને નોકરીમાંથી મુક્ત થયા. મોહનદાસની પ્રમાણિકતા એટલી હતી કે તેમણે પોતાના શેઠ સામે અને જે શહેરમાં ધંધો શીખ્યા તે શહેર છોડીને અમદાવાદ ખાતે પોળમાં રહેવા લાગ્યા.  પોળમાં મોહનદાસ અને તેમના પત્ની ઘરમાં જ ખમણ બનાવવાની શરૂઆત કરેલી. રોજ રાત્રે ચણાની દાળ પલાળે, ચક્કીમાં પીસે અને પછી તેના વાટીદાળના ખમણ બનાવી સાયકલ ઉપર સ્કૂલ, ઓફિસોની બહાર ખુમચો લઈને વેચવા માટે જાય. મોહનદાસે કરેલી મહેનતના પગલે લોકો તેમને ઓળખવા મંડ્યા અને હવે તેઓ દાસ ખમણ વાળા તરીકે પ્રસિદ્ધિ મેળવી. આખું નામના બોલવાને બદલે દાસ ખમણવાળા. તેમને ગોળ લીમડા પાસે કોર્પોરેશન ઓફિસની સામે જગન્નાથ મંદિરની જગ્યા મળી હતી અને ત્યાંથી તેમણે ખમણ વેચવાની શરૂઆત કરેલી.

સરદાર વલ્લભભાઈ પટેલથી માંડીને આજના મેયર કિરીટભાઈ પરમાર સુધીના મેયર પ્રમુખ નેતાઓ, કોર્પોરેશનમાં આવતા લોકોથી માંડીએ અમદાવાદી પ્રજા અને ગુજરાતની જનતાએ ખમણનો આનંદ માણ્યો છે. આજે પણ તેઓ ચોથી પેઢીએ ધંધો કરે છે. જનરેશન બદલાતાં ખમણમાં પણ ફેરફાર આવ્યો પરંતુ સ્વાદમાં કોઈફેરફાર નહીં. વાટીદાળના ખમણ તેમની આગવી છાપ તો છે જ એ સિવાય અનેક નવા ખમણ ઇન્ટ્રોડ્યુઝ કરવાનો શ્રેય દાસને જાય છે. અમદાવાદમાં હાલ તેઓ છથી પણ વધારે જગ્યાએ આઉટલેટ ધરાવી એ જ પેઢીના ધંધાને આગળ નવી જનરેશન વધારી રહી છે.

રાયપુરના ભજિયા

અમદાવાદ એ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેવાતું હતું. અમદાવાદમાં 114 કરતાં પણ વધારે કાપડ મીલોથી ધમધમતું શહેર હતું. આ મીલોમાં અનેક કામદારો કામ કરતા. લોકો સરકારી નોકરીઓ છોડીને મીલોમાં જોડાતા. છોકરીઓ પણ એને પરણતી કે જે મીલમાં નોકરી કરતા હોય તેને પહેલો ચાન્સ આપે. એ અરસામાં ચરોતરમાં આવેલા વિરોલ ગામના સોમાભાઈ મોતીભાઈ પટેલે અમદાવાદ રાયપુર ખાતે આવીને વડના ઝાડ નીચે ખુમચો રાખીને વર્ષ 1933માં ભજિયા વેચવાની શરૂઆત કરેલી. મીલોની રીસેસ વખતે તો રીતસરની પડીકા માટે લાઈનો લાગતી. ભજિયા એક માત્ર એવું ચલણ કે ઝડપથી લઈને સાયકલ પર પહોચી શકાય. 1933ના જમાનામાં વધતા વ્યાપને પગલે તેમને ભાડાપટ્ટે જમીન મેળવેલી. પરંતુ એ જમીનનું ભાડું હતું પક્ષીઓને ચણ નાંખવાની શરત એ જ તેમનું ભાડા હેઠળ શરૂઆત રાયપુર દરવાજાની બહાર થયેલી. મેથીના ભજિયા શરૂઆતમાં વેચતા અને શુદ્ધ સિંગતેલમાં જ વેચવાનો પહેલેથી આગ્રહ તેમનો અને એ આજે પણ સિંગતેલમાં જ બને છે! તેઓ ભજિયામાં વપરાતી દરેક સામગ્રી જાતે જ ઉગાડે છે અને લોકોને તાજા ગરમાગરમ ભઠ્ઠી પર તળીને પીરસે છે. રાયપુર ભજિયા એ પહેલેથી જ પાર્સલની સુવિધા છે, ત્યાં કોઈને બેસીને જમવાની વ્યવસ્થા નથી અને નથી આપતું ભજિયા સાથે પ્લાસ્ટિકની થેલી કે નથી આપતું મરચા, કાંદા કે કોઈપણ પ્રકારની ચટણી તોયે પિઝ્ઝા,બર્ગર,મોમોઝના જમાનામાં આજે પણ લોકો હોંશથી ખાય છે અને દુકાનની બહાર લાંબી લાઈનો લાગતી જોવા માટે મળે છે. દર રવિવારે એક દાદા ભજિયા ખાવા માટે આવે અને તેમની સાથે હાર્મની ઓફ ઇન્ડિયાના એડિટર પાર્થ શર્માએ વાતચીત કરતાં જાણવા માટે મળેલું કે, તેમણે પહેલો પ્રેમ રાયપુરમાં ભજિયાને એટલી હદે કરેલો કે પોતાનો પહેલો પગાર પણ ભજિયાને ચઢાવેલો અને ભજિયા આરોગેલા. આજે 90 વર્ષની જૈફ વયે પણ પોતાના પુત્રો અને પૌત્રો સાથે આવીને લુફ્ત ઉઠાવે છે !

આવી અનેક અમદાવાદના હેરિટેજ ફૂડની રસપ્રદ વાતો છે જે આપની સાથે શેર કરતાં રહીશું ! જોડાયેલા રહેજો અને શેર કરતાં રહેજો હાર્મની ઓફ ઇન્ડિયા સાથે !

હાઉકલી :  અહમદશાહ બાદશાહનો પૌત્ર મહમ્મદ બેગડો પોતાની પથારીની આસપાસ રોજ રાત્રે સમોસાની બે લંગરીઓ ભરીને મુકાવતો હતો અને જયારે તે ઊંઘમાંથી ઉઠે અને સમોસા તરફ હાથ જાય તો ખાઈને સુઈ જતો હતો. સવારે તે અહમદશાહની રોયલ મસ્જિદમાં ફઝરની નમાઝ પઢી  એક તાંસળી મધ અને એક તાંસળી ગાયનું ઘી અને દોઢસો સોનેરી કેળા ખાતો હતો. તે ઘણીવાર કહેતો હતો કે, જો મહમ્મદને બાદશાહી ના આપતા તો તેનું પેટ કોણ ભરત?

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share