Happy Birthaday ! Amdavad
HOI Exclusive

Happy Birthday Amdavad !

26મી ફેબ્રુઆરી,1411ના રોજ અમદાવાદની પહેલી ઈંટ બાર બાવા, ચાર અહમદ અને એક માણેકનાથ બાવાની હાજરીમાં માણેક બુરજ ખાતે બપોરે 1.20 કલાકે મુકાઈ હતી ત્યારથી લઈને આજદિન સુધી અમદાવાદનો જન્મદિવસ 26મી ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. અમદાવાદ આ વર્ષે પોતાનો 611મોં જન્મદિવસ ઉજવી રહ્યું છે.

અહમદાબાદનો પાયો

અહમદશાહે તેમના પીર હજરત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષનીની સલાહ હેઠળ અહમદાબાદનો પાયો નાંખ્યો હતો. સુલતાને નવા શહેરની સ્થાપના માટે અમીરો તથા ધર્મગુરુઓની પણ સલાહ લીધી હતી. અહમદાબાદનો પાયો નાખનારા ચાર અહમદ હતા. જે પૈકી એક હજરત શેખ ખટ્ટુ, બીજા તેમના ઉત્તરાધિકારી કાઝી અહેમદ, ત્રીજા મુલ્લા અહેમદ અને ચોથા સુલતાન અહમદશાહ ખુદ હતા. ‘હિસ્ટ્રી ઑફ ગુજરાત’ નામના પુસ્તકમાં ખાન બહાદુર લખે છે કે આ ચાર અહમદ ઉપરાંત 12 ફકીરોએ પણ અહમદાબાદની સ્થાપનાની વિધિમાં સુલતાનને મદદ કરી હતી.

પુસ્તકમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ આ ચાર અહમદ અને બાર ફકીર દિલ્હીના પ્રસિદ્ધ મુસ્લિમ સંત નિઝામ-ઉદ-દીન ઓલિયાના શિષ્યો હતા.

આશાવલ, આશાપલ્લી, અમદાવાદ, અહમદાબાદ, રાજપુર,રાજનગર,કર્ણાવતી,કેટકેટલાય નામ છે આ શહેરના. સતરંગી નવરંગી એવા આ શહેર પર અઢળક ગીતો લખાયા છે અને ફિલ્માયા પણ છે. અદાણીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના લોકો આ શહેરના સાક્ષી રહ્યા છે.

લોકવાયકા પ્રમાણે

એક લોકવાયકા પ્રમાણે જ્યારે અહેમદશાહ અહીંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે એક સસલાને કુતરાની પાછળ પડેલું જોયું સસલાની આ હિંમત જોઇને બાદશાહને આ ભૂમિમાં રહેલ તાકાતને સલામ કરવાનું મન થયું અને 26 ફેબ્રુઆરી 1411ના રોજ વિધિવત રીતે આ શહેરની સ્થાપના થઇ. સૌ પ્રથમ બાદશાહે માણેક બુર્જની સ્થાપના કરી હોવાનો ઇતિહાસ બોલે છે…

“જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને નગર બસાયા” આ વાત અમદાવાદની વર્ષો જૂની યાદોને માલીકોર સંઘરીને બેઠેલા વડીલના મોઢે અચૂક સાંભળવા મળે છે.10 કિલોમીટરની પરિમીતી ધરાવતા કોટમાં આ શહેર સમાયેલું હતું જેમાં 12 દરવાજા વડે અવર-જવર કરવામાં આવતી હતી જો કે કેટલાક લોકોના મતે 21 દરવાજા હોવાની વાત પણ સાંભળવા મળી છે.

અમદાવાદ નામ કેવી રીતે પડ્યું?

હિસ્ટ્રી ઑફ ગુજરાત’ મુજબ અહમદ શાહે પોતાના ધર્મગુરુ, ખુદ પોતાનું નામ અને અન્ય બે સાથીઓના નામ પરથી શહેરનું નામ અહમદાબાદ રાખ્યું.

અહમદાબાદની સ્થાપનાનું મહત્ત્વ અંગે આ પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખ મુજબ સુલતાનને અનુભવથી જણાયું કે પ્રદેશના કેન્દ્રમાં પાયાતખ્ત હોય તો જ તેનું સારી રીતે રક્ષણ થઈ શકે એમ છે.

આમ કરવાથી ઈડર, ચાંપાનેર અને સોરઠના રાજાઓ પર કાબૂ રાખવો સહેલો રહેશે.

આ મામલે તેમણે તે સમયના અમીરો અને પીરોની પણ સલાહ લીધી હતી હજરત શેખ ખટ્ટૂએ પણ આ સલાહનું સમર્થન કર્યું હતું.

આશાવલ નામે ઓળખાતું અમદાવાદ

અમદાવાદ ફ્રૉમ રૉયલ સિટી ટુ મેગાસિટી’ નામના પુસ્તકમાં અચ્યુત યાજ્ઞિક અને સુચિત્રા શેઠ અહમદાબાદ, કર્ણાવતી અને આશાવલને લઈને કેટલીક બાબતો પર પ્રકાશ પાડે છે.

પુસ્તકમાં મળતા વર્ણન પ્રમાણે, પર્શિયન અને મુઘલ સમયના ઇતિહાસકારો આશાવલ સાબરમતી નદીના પૂર્વ કિનારે આવેલું હોવાનો ઉલ્લેખ કરે છે.

કેટલાક પુરાવા મુજબ આશાવલ નદીના કાંઠે હાલના જમાલપુર અને આસ્ટોડિયા દરવાજાની આસપાસ હોવું જોઈએ.

અરેબિક અને પર્શિયન ઇતિહાસકારો આને ‘આશાવલ’ નામે ઓળખાવે છે, જ્યારે સંસ્કૃત અને પ્રાકૃતમાંથી મળતા સ્રોત તેને ‘આશાપલ્લી’ તરીકે ઓળખાવે છે.

અમદાવાદની સ્થાપનાના 500 વર્ષ પહેલાં મહાન વિદ્વાન અલબેરુની એ ‘આશાવલ’ હોવાનો ઉલ્લેખ કર્યો છે.

જૈન આચાર્ય જિનેશ્વરસૂરી ‘નિર્વાણલીલાવટીકથા’માં ઈ.સ. 1039માં આશાપલ્લી હોવાનો ઉલ્લેખ કરે છે.

આ બધા પુરાવાઓ એ સાબિતી આપે છે કે અગિયારમી અને બારમી સદીમાં આશાવલ અથવા આશાપલ્લીનું કેટલું મહત્ત્વ હતું.

કર્ણાવતી હતું કે નહીં ?

‘મિરાત-એ-અહમદી’ કે ‘હિસ્ટ્રી ઑફ ગુજરાત’માં ‘કર્ણાવતી’ નગરી હોવાનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી.

કર્ણાવતીનો ઉલ્લેખ 1304-05માં જૈન આચાર્ય મેરુતુંડાચાર્ય રચિત ‘પ્રબંધચિંતામણી’માં તેનો ઉલ્લેખ જોવા મળે છે.

તેમાં કરાયેલા વર્ણન મુજબ રાજા કર્ણદેવ આશાપલ્લી નામના ગામમાં આશા ભીલ પર ચઢાઈ કરવા ગયા.

ભૈરવ દેવીનું શુભ શકુન થયા બાદ ત્યાં કોચરબ દેવીનું મંદિર બનાવ્યું અને ત્યાં જ તંબુ તાણીને રહ્યા.

બાદ આશા ભીલને હરાવીને ત્યાં કર્ણેશ્વર મહાદેવની સ્થાપના કરી અને કર્ણસાગર તળાવ બંધાવી ત્યાં કર્ણાવતી પુરીની રચના કરી અને ખુદ જ રાજ્ય કરવા લાગ્યા.

‘અમદાવાદ ફ્રૉમ રૉયલ સિટી ટુ મેગાસિટી’ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, 13મી સદીના અંતમાં અને 14મી સદીની શરૂઆતમાં જૈન સાહિત્ય અને ધાર્મિક સ્રોતોમાંથી સાબરમતી નદીના કિનારે ‘કર્ણાવતી’ હોવાનો ઉલ્લેખ મળે છે.

જોકે, એ વાત સ્પષ્ટ થઈ શકતી નથી કે કર્ણાવતી એ આશાવલનું બીજું નામ હતું કે તેની બાજુમાં કર્ણાવતી નામની કોઈ લશ્કરી ચોકી હતી.

મેરુતુંડાચાર્યની સ્ટોરીને જ આગળ વધારતા ત્રણ દાયકાઓ બાદ અન્ય બે જૈન વિદ્વાન જિન્માનંદન અને ચરિત્રસુંદર તેનો ફરી ઉલ્લેખ કરતા લખે છે, કર્ણદેવે નવું શહેર વસાવવાનો નિર્ણય કર્યો હતો.

કર્ણદેવે તેમના પુત્ર સિદ્ધરાજને ગાદીએ બેસાડ્યો હોવાથી તેમને લાગ્યું કે એક શહેરમાં બે રાજા રાજ ના કરી શકે.

આશાવલ જીત્યા બાદ કર્ણદેવે કર્ણાવતી વસાવવાનો નિર્ણય કર્યો હોવાનું આ જૈન વિદ્ધાનો કહે છે.

બીજી તરફ સિદ્ધરાજના સમયકાળમાં થઈ ગયેલા આચાર્ય હેમચંદ્રાએ લખેલી ઐતિહાસિક કવિતામાં એવો ઉલ્લેખ મળે છે કે સિદ્ધરાજને અણહિલવાડની ગાદીએ બેસાડ્યા બાદ ટૂંક સમયમાં જ કર્ણદેવનું મૃત્યુ થયું હતું.

તો શું આશાપલ્લીને જ કર્ણાવતી નગરી કહેવામાં આવતું હતું?

કર્ણાવતી અલગથી શહેર હતું? કર્ણાવતી હતું તો શા માટે આશાવલ કે આશાપલ્લીનો 12મી કે 13મી સદી સુધી ઉલ્લેખ જોવા મળે છે?

કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ અને સિદ્ધરાજ પછી ગાદીએ આવનાર કુમારપાળે બંનેએ અનેક વર્ષો સુધી શાસન કર્યું. તેમણે કેમ ક્યારેય કર્ણાવતીનો ઉલ્લેખ ના કર્યો?

તેમના વખતમાં થઈ ગયેલા જૈન વિદ્વાનોએ પણ તેમના સાહિત્યમાં કર્ણાવતીનો ઉલ્લેખ કેમ ના કર્યો?

13મી સદીના અંતમાં જૈન સાહિત્ય અને ધાર્મિક સાહિત્યમાં કર્ણાવતીનો ઉલ્લેખ થવાનો શરૂ થયો હતો.

‘અમદાવાદ ફ્રૉમ રૉયલ સિટી ટુ મેગાસિટી’ મુજબ સુલતાન અહમદ શાહે 1411માં અહમદાબાદની સ્થાપના કરી તે બાદના 150 વર્ષો સુધી પણ આશાપલ્લીનો ઉલ્લેખ જોવા મળે છે.

આ પરથી આપણે એવું કહી શકીએ કે કદાચ કર્ણદેવે આશાપલ્લીની બાજુમાં લશ્કરી ચોકી સ્થાપી હશે, જે ધીરેધીરે તે વસાહતમાં ફેરવાઈ હશે.

આગળનાં વર્ષોમાં તેનો વિકાસ થતાં તે આશાપલ્લી સાથે ભળી ગઈ હોવાની શક્યતા છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share