HOI Exclusive Uncategorized

2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં ! કેટલાક જુના તો કેટલાક નવા જોગીઓના સંપર્કમાં…

ગુજરાતની રાજકીય ભૂમિ પર ઘણા સમયથી કોંગ્રેસ પોતાના લપસતા જઇ રહેલા પગ ફરી જમાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે પણ 27 27 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસને સફળતા નથી મળી રહી. સરકારને ઘેરવાથી લઇને, આંદોલનોનો ઉપયોગ અને નેતૃત્વ પરિવર્તન સુધીના ઉપાયો ગુજરાત કોંગ્રેસે અજમાવ્યા છે પણ ધારી સફળતા ગુજરાત કોંગ્રેસને મળી શકી નથી એ પણ એટલી જ વાસ્તવિકતા છે.

જગદીશ ઠાકોરનો લીટમસ ટેસ્ટ

2017 અને 2019 માં મળેલી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ સામે અનેક સવાલો ઉઠ્યા હતા. અમિત ચાવડા અને પરેશ ધાનાણીની બેલડી કંઇ ખાસ ચમત્કારિક પરિણામો લાવી ન શકી અને આંતરિક જુથબંધીને ખાળવામાં પણ નિષ્ફળ પુરવાર થઇ અને સાથે જ કોંગ્રેસમાંથી થતા પક્ષપલટાને પણ ન રોકી શકી. તેમની વિદાયથી કદાચ ગુજરાત કોંગ્રેસને ફાયદો થશે તેવો છુપો મત તો વ્યક્ત થયા જ કરતો હતો અને કદાચ આ વાત હાઇકમાન્ડને પણ લાગી અને ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લઇ જ લીધો. આ નિર્ણયની સાથે પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાઇ જગદીશ ઠાકોરને. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા જગદીશ ઠાકોર માટે આ પદ ખુબ આસાન નથી એ તો ઠાકોર પણ પોતે જાણે જ છે. કારણકે લાંબા સમયથી ગુજરાતમાં ન મળેલી સફળતાને જીતમાં ફેરવવા તેમણે એડી ચોટીનું જોર લગાવવું જ પડશે તેનાથી તેઓ અવગત તો હશે જ. તરત આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે તેથી તેમને સતત તેના પ્રયત્નોમાં લાગેલા જ રહેવુ પડશે. કોંગ્રેસના આંતરિક બીજા પ્રશ્નોની સાથે જ જગદીશ ઠાકોરે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને વધુને વધુ લોકોને જોડવા સુધીની પરીક્ષા આપવી જ પડશે.

‘બાપુ આવે છે’ નો ફરી શરૂ થયો ગણગણાટ !

અનેક વખત પક્ષપલટો કરનાર ગુજરાતના રાજકારણનું મોટુ નામ એવા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસનો પણ સાથ છોડ્યો હતો અને તે પણ એવા સમયે જ્યારે કદાચ ગુજરાત કોંગ્રેસને તેમની જરૂર હતી. જોકે શંકર સિંહ વાઘેલાનો રાજકારણ સાથેનો નાતો વર્ષોનો રહ્યો છે અને તેમણે આટલા વર્ષોમાં અનેક વાર પોતાની પાટલી બદલી છે જ. 1964 માં શંકરસિંહ વાઘેલા આરએસએસ સાથે જોડાયા હતા અને જનસંઘથી તેમણે તેમની રાજકીય યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને તેઓ સાબરકાંઠા, ગોધરા અને ગાંધીનગરથી પાંચ વખત સંસદ સભ્ય રહ્યા છે 1984માં રાજ્યસભાના સભ્ય અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. 1996માં ભાજપમાંથી બળવો કરીને રાજપામાંથી તેઓ મુખ્યમંત્રી પણ બન્યા હતા. ફરી ફરી પક્ષપલટો કરીને લાંબો સમય તેઓ કોંગ્રેસમાં રહ્યા અને 2017ની ચૂંટણી પહેલા કોંગ્રેસને પણ અલવિદા કર્યું હતું અને જનવિકલ્પ પાર્ટી બનાવી જે ન ચાલી અને ફરી બાપુ એનસીપીમાં જોડાયા હતા.

હવે લાંબા સમયથી ચર્ચા શરૂ થઇ છે કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં વાપસી કરી શકે છે. થોડા સમયથી વાતચીત ચાલી રહી હોવાની વાતને જગદીશ ઠાકોરે પણ સ્વીકારી છે અને કહ્યું કે તેમના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે. શંકરસિંહ વાઘેલા ખરેખર વાપસી કરશે કે કેમ ? વાઘેલાની વાપસીને કોંગ્રેસ હાઇકમાન્ડ લીલી ઝંડી આપશે કે કેમ તે પણ જોવુ રહ્યું પણ 2022 માટે એક એક માથાને એકઠા કરવાની કવાયત કોંગ્રેસ કરશે તે તો નક્કી છે.

શંકરસિંહ પાછા જઇને ખરેખર કોઇ ચમત્કારીક ફેરફાર હવે લાવી શકે એ સૌથી મોટો સવાલ છે અને ગુજરાત કોંગ્રેસ તેની પકડ શું વાઘેલાને લઇ જઇને પાછી લાવી શકે તે પણ એક અલગ જ સવાલ છે. પણ એક વાત હકીકત એ છે કે આ રાજકારણ છે અને તેમાં ગમે ત્યારે ગમે તે થઇ શકે છે. આ એજ કોંગ્રેસ છે જેણે 2017માં શંકરસિંહની કેટલીક શરતોનો સ્વીકાર ન કરીને તેમને પક્ષ છોડતા નહોતા અટકાવ્યા અને આ એજ શંકરસિંહ છે જેમણે 2017ની ચૂંટણી પહેલા ગર્ભિત આક્ષેપો સાથે કોંગ્રેસને અલવિદા કરી હતી.

જોકે એક પાસુ એ પણ છે કે 2017થી લઇને આજ સુઘી ના ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિમાં કોઇ ચમત્કારીક ફેરફાર આવ્યો છે ના 2017થી લઇને આજદીન સુધી શંકરસિંહ વાઘેલા રાજનીતિમાં કોઇ ચમત્કારીક સિધ્ધી હાંસિલ કરી શક્યા છે. એ અર્થમાં શંકરસિંહ વાઘેલાની વાપસી કોંગ્રેસને કોઇ નવી દિશા આપે છે કે પછી કોંગ્રેસ શંકરસિંહને પાછા લઇને કોઇ ફાયદો મેળવી શકે છે તે પ્રશ્ન યથાસ્થાને છે. રાજનીતિને નજીકથી જાણનારા તો એમ પણ કહી રહ્યા છે કે કોણ કોને ફાયદો કરાવી શકે તે જ આ કિસ્સામાં કહી શકાય કે આ ગુત્થી કળી શકાય તેવી લાગી રહી નથી. પણ જો શંકરસિંહ પાછા કોંગ્રેસમાં જોડાય છે તો આ તેમનો આ લગભગ સાતમો પક્ષપલટો હશે. સાત કોઠા પાર કરીને પણ વાઘેલા શું ચમત્કાર કરે છે તે જોવુ રસપ્રદ બની રહેશે.

નરેશ પટેલને આવકારવા કોંગ્રેસનો થનગનાટ

ખોડલધામના ચેેરમેન નરેશ પટેલને આવકારવા માટે પણ કોંગ્રેસનો થનગનાટ જોવા મળી રહ્યો છે. 2022 માં ગાદી મેળવવા માટે કોંગ્રેસ બધા જ સમીકરણોને સાધવાના મુડમાં પણ જોવા મળી રહ્યું છે. નરેશ પટેલ ન માત્ર ખોડલધામના ચેરમેન છે પણ સાથે જ તેમનો પાટીદાર સમાજ પર દબદબો છે અને પાટીદાર ફેક્ટર કાયમથી ગુજરાતના રાજકારણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેથી તમામ પક્ષો નરેશ પટેલને પોતાના તરફ ખેંચવાના પ્રયાસો દરેક ચૂંટણીમાં કરતા જોવા મળે છે. કોંગ્રેસના નેતાઓની ખોડલઘામની મુલાકાતો એ વાતનો સંકેત આપે છે, જોકે ભાજપના નેતાઓ પણ ખોડલધામની મુલાકાત લેવાનું ચૂકતા નથી જ અને આ તરફ, છેલ્લી કેટલીયે ચૂંટણીમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાવાના સંકેતો આપે છે પણ એટલી જ મોટી હકીકત એ છે કે તે ના હજી સક્રિય રાજકારણમાં જોડાયા છે ના તેઓ કયા પક્ષ તરફી ઝુકાવ રાખે છે તેનો સંકેત પણ આપે છે. 2022 ની ચૂંટણી પહેલા પણ તેઓ સંકેત આપી ચુક્યા છે કે તેઓ સક્રિય રાજકારણમાં જોડાઇ શકે છે, યોગ્ય સમયે અને સમાજની મંજૂરી સાથે તેઓ જોડાશે તેવો સંકેત આપતા રહેતા નરેશ પટેલને કોંગ્રેસ બે હાથ ફેલાવીને કોંગ્રેસમાં જોડાવા માટે આવકારી રહ્યું છે. ગુજરાત પ્રભારી રઘુ શર્માએ પણ સંકેત આપતા કહ્યું કે સામાજીક આગેવાનો સાથે વાતચીત ચાલી રહી છે અને નરેશ પટેલ જેવા આગેવાનો કોંગ્રેસ સાથે જોડાય તો તેમનું સ્વાગત છે. રાજ્યમાં પાટીદારોની વસતી 12 ટકા છે પણ આર્થિક રીતે સધ્ધર સમાજ હોવાને કારણે તેમનો દબદબો ગુજરાતના રાજકારણમાં જોવા મળે છે અને પાટીદાર ફેક્ટર અનેક બેઠકો પર અસર કરતું હોવાને નાતે પાટીદારોને રીઝવવાના તમામ રાજકીય પક્ષો હંમેશા પ્રયાસો પણ કરતા હોય છે. તેમાં પણ નરેશ પટેલનો પ્રભાવ સૌરાષ્ટ્રમાં હોવાને કારણે નરેશ પટેલ થકી સૌરાષ્ટ્રમાં પોતાની પકડ મજબૂત કરવાનું ગણિત સ્વાભાવિક કોંગ્રેસે પણ લગાવ્યું જ હશે.

નરેશ પટેલ જોકે હજી પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી પણ હા કોંગ્રેસ સતત તેમને પોતાની તરફ ખેંચવાના પ્રયાસો કરી જ રહ્યું છે.

અલ્પેશ કથીરીયાને સમાવવા કોંગ્રેસની કવાયત

સુરત એ રાજકારણનું એપી સેન્ટર કહેવાય છે અને સુરતની બેઠકો મેળવવા માટે પણ કોંગ્રેસ ત્યાં સંગઠન મજબૂત કરવામાં લાગી ગઇ છે, ત્યારે અલ્પેશ કથીરીયા સાથે કોંગ્રેસના મોટા નેતાઓ વાતચીત કરી રહ્યા છે. સુરતની બેઠકો અને ત્યાંના સંગઠનની જવાબદારી સાથે જ ક્યાંક ક્યાંક નારાજ થયેલા સુરત અને દક્ષિણ ગુજરાતના પાટીદારોને રીઝવવા કોંગ્રેસ આ દાવ ખેલી શકે છે. પાટીદાર અનામત આંદોલન, જેણે ભાજપને 2017ની ચૂંટણીમાં પ્રભાવિત કર્યું હતું. જોકે આ આંદોલન બાદ પાસના અનેક ઉગતા ચહેરાઓ કોઇને કોઇ રાજકીય પક્ષના ચહેરા બની ગયા, કહો કે હાથો બની ગયા. પાસ નેતા અલ્પેશ કથીરીયાની યુવાનો પર પકડ છે અને પાટીદાર આંદોલન સમયથી એક જાણીતો ચહેરો પણ સ્વાભાવિક બની ચુક્યા છે અને એટલે જ કોંગ્રેસ અલ્પેશને આવકારી રહી છે. આમ પણ સાંપ્રતની સ્થિતિ મુજબ પાટીદાર સમાજને નજરઅંદાજ કરવો એ કોંગ્રેસ કે ભાજપ બન્ને પક્ષને પોસાય તેમ નથી.

‘તેલની શીશી’ના નિવેદનથી કોંગ્રેસે ગુજરાત ગુમાવેલું

1985માં કોંગ્રેસના નેતાનું પાટીદારો માટેનું એક નિવેદન કે અનામતનો વિરોધ કરનારાઓ શીશીમાં તેલ લાવતા થઇ જશો, આ નિવેદનને તે સમયે પાટીદારોએ સ્વમાનનો મુદ્દો બનાવી દીધો હતો અને માંડ બે વર્ષથી અમલમાં આવેલી નવી રાજકીય પાર્ટી એવી ભાજપને સમર્થન આપીને 1990માં કોંગ્રેસને ઐતિહાસિક પછડાટ આપી હતી, ત્યારથી કોંગ્રેસને ગુજરાતવટો જ જાણે કે આપી દેવાયો છે તેવી સ્થિતિ ગુજરાતમાં કોંગ્રેસની છે. ત્યારથી પાટીદારો ભાજપના વોટર્સ બની રહ્યા. જોકે આખુ આ ચક્ર ફર્યુ હતું 2015ના પાટીદાર આંદોલનની શરૂઆતની સાથે જ. પાટીદારોના વોટ ત્યારબાદ વહેંચાયા અને તેનુ પરિણામ 2017ના પરિણામોમાં બે આંકડામાં સમેટાઇ ગયેલી ભાજપના રૂપમાં જોઇ ચુક્યા છીએ.

ગુજરાતવટાને ગુજરાતની સત્તામાં પરિવર્તીત કરવા માટે પાટીદાર આંદોલનનો ચહેરો બનેલા અલ્પેશ કથીરીયાને લઇને કોંગ્રેસ પોતાની સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસમાં લાગી ગઇ છે.

કોંગ્રેસની ગુજરાતની સત્તાથી દૂરીનું સફર પાર કરવા માટે પ્રયાસો તો સ્વાભાવિક કરવામાં આવશે જ. ગુજરાતની જનતામાં ફરી વિશ્વસનીયતા કેળવવા માટે પણ કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવવું પડશે અને કહેવાય છે ને કે પહેલાના સમયમાં રાજા રજવાડા માથા કાપીને રાજ કરતા હતા અને હવે રાજકારણમાં રાજ કરવા માટે માથા ભેગા કરવા પડે છે. હવે કોંગ્રેસ કેટલા માથા ભેગા કરી શકશે અને તે ભેગા કરેલા માથાથી કોંગ્રસના માથે સત્તાનો તાજ આવે છે કે નહીં તે તો આવનારો સમય જ સ્પષ્ટ કરશે…

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share