Koli Samaj Narajgi
HOI Exclusive Main

કોળી સમાજમાં કમઠાણ : કોળી સમાજમાં ભાગલા ?

રાજકારણમાં જ્ઞાતિગત સમીકરણો ખુબ મહત્વના માનવામાં છે. ગુજરાતમાં પાટીદાર, કોળી, ઠાકોર અને ક્ષત્રિય સમાજનો દબદબો હંમેશાથી રહ્યો છે તેવામાં ચૂંટણી આવતા પહેલા જ આ સમાજના સંગઠનો એકત્રિત થતા હોય છે, અને રાજકીય પક્ષો આ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરીને તેમને પોતાના તરફ કરવા પણ હંમેશા પ્રયત્નો કરતા હોય છે.
કોળી સમાજનું સૌરાષ્ટ્રમાં ઘણું પ્રભુત્વ રહ્યું છે તેવામાં કોળી સમાજનું રવિવારે સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં કુંવરજી બાવળિયા, દેવજી ફતેપરા સહિતના કોળી સમાજના આગેવાનો એકત્રિત થયા હતા. આ સંમેલનમાં દેવજી ફતેપરાએ નિવેદન કર્યું હતું કે રાજકીય પક્ષો કોળી સમાજને નજરઅંદાજ કરે છે અને કોળી સમાજ સાથે અન્યાય પણ કરવામાં આવે છે. ફતેપરાએ વધુમાં કહ્યું હતું કે કોળી સમાજે એક થઇને પોતાની તાકાત રાજકીય પક્ષોને બતાવવી પડશે. દેવજી ફતેપરા ભાજપ સાથે જોડાયેલા છે છતાં તેમણે ભાજપ સામે પણ પોતાની નારાજગી દર્શાવી હતી. ભાજપમાં કોળી સમાજની અવગણના કરવામાં આવતી હોવાનો પણ તેમણે રવિવારે આક્ષેપ કર્યો હતો.

કોળી સમાજમાં ફાટા :

બુધવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કોળી સમાજના આગેવાનો સાથે બેઠક કરવા પહોંચ્યા ત્યારે નવો જ એક વિવાદ છેડાયો છે. કોળી સમાજના આગેવાનોની બેઠકમાં દેવજી ફતેપરા સહિતના આગેવાનોને કાપવામાં આવ્યા. કુંવરજી બાવળિયા સહિતના આગેવાનો જવાના હતા મુલાકાત માટે પણ રાજકીય તાણાવાણાને કારણે કુંવરજી બાવળિયા સમાજના અન્ય આગેવાનોને લઇને પાટીલ સાથે મુલાકાત કરવા પહોંચ્યા.

રવિવારે રામ લક્ષ્મણ આજે નારાજ :

આ બેઠકમાં દેવજી ફતેપરાના કપાતા તેઓ નારાજ થયા છે. તેમણે વાતચીતમાં જણાવ્યું કે સી. આર. પાટીલને મળવા જવાની વાત હતી પણ કુંવરજી બાવળિયા એકલા મળવા પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે હું મારી રીતે હવે સુરેન્દ્રનગરમાં વેલનાથ સેનાને નામે કોળી સમાજનું સંમેલન બોલાવીશ. ફતેપરાએ વધુમાં કહ્યું કે કુંવરજીભાઇ તેમની રીતે આગળ વધશે, અમે અમારી રીતે કામ કરશુ. કુંવરજી બાવળિયા રાજકીય લાભ ખાટવા સમાજના બીજા આગેવાનો સાથે અન્યાય કરતા હોવાનો પણ દબાતા સૂરે મત ફતેપરા દ્રારા વ્યક્ત કરવામાં આવ્યો.
દેવજી ફતેપરાએ કહ્યું કે રવિવારે સમાજના સંમેલનમાં જે ગેરહાજર રહ્યા તેમની સાથે બેઠક બોલાવવામાં આવી છે. જે આગેવાનો સમાજ માટે કામ કરે છે તેમને અવગણવામાં આવ્યા હોવાનું વારંવાર ફતેપરા દ્રારા રટણ પણ કરવામાં આવ્યું.
આવું શા માટે કરવામાં આવ્યું બાવળિયા દ્રારા આ સવાલના જવાબમાં ફતેપરાએ કહ્યું કે એ સવાલનો જવાબ તો કુંવરજી બાવળિયાજ આપી શકશે.

આ રાજનીતિ છે :
કોઇપણ સમાજ એકત્ર થઇને રાજકીય પક્ષો પર દબાણ લાવી શકતુ હોય છે અને તેના અનેક દાખલા રાજકીય ઇતિહાસને ચોપડે લખાયેલા છે. તેવામાં આ સમાજની અંદર જ ફાટા પડ્યા છે કે સમજણપૂર્વક આ ફાટા પાડવામાં આવ્યા છે તે એક ગહન ચિંતનનો વિષય બની જાય છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share