વર્ષ 2019માં અમદાવાદમાં 2 મહિલાઓને પોલીસ દ્વારા માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. જે મામલે મંગળવારે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કોર્ટમાં હાજર થયા હતા. સમગ્ર મામલે કોર્ટ દ્વારા આજે પોલીસ કર્મચારીઓની સામે કોર્ટ દ્વારા નારાજગી દર્શાવવામાં આવી હતી. ચાલુ કોર્ટમાં સુનાવણી દરમિયાન ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેકટર ઠંડુ પીણું પી રહ્યા હતા, જે ચીફ જસ્ટિસના ધ્યાને આવ્યું હતું.
ચાલુ સુનાવણીએ પી રહ્યા હતા કોલ્ડડ્રીંક્સ!
ચીફ જસ્ટિસે ચાલુ વર્ચ્યુઅલ કોર્ટે કહ્યું હતું કે, લાગી રહ્યું છે કે તેઓ કોકો કોલા પી રહ્યા હોય ! એ બાદ આ પોલીસ અધિકારીના વલણ સામે કોર્ટે કહ્યું કે જો પ્રત્યક્ષ રીતે ચાલુ હોત તો શું તેઓ કોકો કોલા લઈને આવ્યા હોત ! તેમના ઉપરી અધિકારી હાજર છે, તેમ છતાં તેઓ જાણે કેફેમાં હોય એ રીતે વર્તન કરી રહ્યા છે.. કોર્ટ ચીફ સેક્રેટરી ને શિસ્ત ભંગના પગલાં લેવા પણ કહેશે’.
વર્ચ્યુઅલ કોર્ટમાં હાજર રહ્યા હતા PI
પ્રાપ્ત માહિતી મુજબ, હાઈકોર્ટનાના નિર્દેશ બાદ અમદાવાદ એસ.જી. હાઈવે ટ્રાફિક-પોલીસના PI સહિત બે પોલીસ કોન્સ્ટેબલ વર્ચ્યુઅલ કોર્ટમાં હાજર રહ્યા હતા, જેમાં ટ્રાફિક-પોલીસના PI ચાલુ કોર્ટ દરમિયાન કંઈક પી રહ્યા હતા, જેની સામે મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે પોલીસ અધિકારીના વર્તન પ્રત્યે નારાજગી દર્શાવી હતી અને આ મામલે ચીફ જસ્ટિસે સરકારી વકીલ પાસે પૂછપરછ કરી હતી. એ બાદ અધિક સરકારી વકીલ તરફથી તેમના વતી માફી પણ માગી. સરકારી વકીલે કહ્યું હતું કે આમ પણ તેઓ ચિંતામાં છે, જેની સામે ચીફ જસ્ટિસે જવાબ આપતાં કહ્યું હતું કે ‘હવે તેઓ વધુ મુશ્કેલીમાં મુકાશે, તેઓ અધિકારીને છોડશે નહિ’. સુનાવણી દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ હાજર હતા, જેથી એ પણ ટકોર કરવામાં આવ્યું કે તેમના ઉપરી અધિકારીની હાજરીમાં તેઓ જાણે કેફેમાં હોય એ પ્રકારે વર્તી રહ્યા છે, જે યોગ્ય બાબત નથી’.
કોર્ટે પોલીસને કરી હળવી ટકોર
કોર્ટે પોલીસ અધિકારીના આ વર્તન બદલ હળવી ટકોર કરતાં કહ્યું, ‘તેઓ બાર એસોસિયેશનમાં કોકો કોલા કે અમૂલ જ્યૂસ-મિલ્કનાં 100 ટીનનું વિતરણ કરે, ન હોય તો છેલ્લે સરકારી વકીલ ઓફિસમાં એ પહોંચાડે. માત્ર એટલું જ નહીં, પરંતુ કોર્ટે એ પણ કહ્યું હતું કે એ ટીન વકીલ પાસે પહોંચ્યાં છે કે નહીં એ અંગે ખાતરી કરવામાં આવે.