Gujarat

ભરતીમાં ‘ભરતી’ : ગુજરાત સરકાર 3300 વિદ્યા સહાયકોની ભરતી કરશે

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બેરોજગારીનો આંક વધતો જઇ રહ્યો છે તેવામાં નોકરી ઇચ્છતા અને લાયક ઉમેદવારો સતત નોકરીની અપેક્ષા સરકાર સામે મુકતા રહે છે. વિદ્યાસહાયકો તેમાં સતત ભરતીની માંગ કરી રહ્યા હતા. મંગળવારે આખરે રાજ્ય સરકારે વિદ્યાસહાયકોને લઇને મહત્વપૂર્ણ જાહેરાત કરી. આગામી સમયમાં સરકાર 3300 વિદ્યાસહાયકોની ભરતી કરશે. જેમાં ધોરણ 1 થી 5 માં 1300 અને ધોરણ 6 થી 8 માં 2000 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે. સાથે જ જીતુ વાઘાણીએ કહ્યું કે આ લાભ ટેટ ટાટ પાસ ઉમેદવારોને પણ મળશે.

સમગ્ર રાજ્યમાં 17 હજાર શિક્ષકોની ઘટ છે અને તેની સામે આ જાહેરાત કરવામાં આવી છે. જોકે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આ જાહેરાતને આવકારી હતી અને કહ્યું હતું કે સરકારે ભરતી પ્રક્રિયાની જાહેરાત તો કરી દીધી પણ હવે તે પ્રક્રિયા ઝડપી કરે તો ઉમેદવારો માટે સારુ છે. જાહેરાત માત્ર જાહેરાત ન બની રહે તેવી આશા ઉમેદવારોએ વ્યક્ત કરી છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 ની ભરતી


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા વર્ગ 3ની 373 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. ગુજરાત પંચાયત સેવા મંડળની વેબસાઇટ પર તેની જાહેરાત મુકવામાં આવી છે. વિસ્તરણ અધિકારી, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, સ્ટાફ નર્સ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આના માટે ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે. 11 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી અરજી કરવાની તારીખ છે.

10,459 LRDની ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે

ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમ, LRDમાં એક જગ્યા માટે કુલ 95 ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે.

PSIમાં 1382 જગ્યા માટે ભરતી પ્રક્રિયા

PSIમાં 1382 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં 202 જગ્યા બિનહથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટરની છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યા હતા.

બિનસચિવાલય ક્લાર્કમાં 3900 ભરતી


પેપર લીકને કારણે રદ થયા બાદ ત્રણ વર્ષ સુધી અટવાઇ ગયેલી બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા 13 ફેબ્રુઆરી 2022ના રોજ યોજાશે. બિનસચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની અંદાજે 3900 જેટલી જગ્યાઓની ભરતી માટે સરકારે વર્ષ 2018માં પ્રક્રિયા હાથ ધરી હતી. આ માટે અંદાજે 10.45 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે શરૂઆતમાં લાયકાત વધારવાને કારણે અને ઉમેદવારોના આંદોલન અને બાદમાં પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share