Gujarat HOI Exclusive

હમ ‘આપ’ કે હે કોન ?

2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બચ્યા છે અને અત્યારથી જ જાણે ચૂંટણી માટેના સોગઠા ગોઠવાઇ રહ્યા હોય તેવો માહોલ જામવા લાગ્યો છે. ગુજરાતની રાજકીય જમીન પર ઘણા લાંબા સમયથી એટલે કે 27 – 27 વર્ષથી ભાજપ એકહથ્થુ શાસન કરી રહ્યું છે. વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસને ઘણા લાંબા સમયથી સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો નથી. એક યા બીજા કારણોસર ગુજરાતની જનતાના મનમાંથી કોંગ્રેસમાંથી વિશ્વસનીયતા ઓછી થતી જઇ રહી છે અને સત્તા સ્થાને બેઠેલી ભાજપના અધૂરા કામો જનતા સમક્ષ મુકવામાં પણ ઉણી ઉતરી રહી છે.

2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલન ઇફેક્ટ કહો કે એન્ટી ઇન્કમ્બન્સીની અસર, તે પરિણામોમાં ભાજપ 2 આંકડાના પરિણામોમાં સમેટાઇ ગયું હતું અને કોંગ્રેસના ફાળે સારી એવી 77 બેઠકો આવી હતી. પણ તે પરિણામો બાદ પણ આપણે જોયું કે 77નો આંકડો જોતજોતામાં 65 પર આવી પહોંચ્યો હતો. પક્ષપલટો કરવાના કારણો અને પરિણામો પર પણ કરીશુ વાત પણ એની સાથે જ વાત કરવી છે કે ગુજરાતની રાજકીય ભૂમિ પર ત્રીજા પક્ષનો શુ હાલ થાય છે.

સામાન્ય રીતે ગુજરાતના રાજકારણની તાસીર એવી છે કે અહીં ત્રીજો પક્ષ બહુ ફાવ્યો નથી. મોટા મોટા નેતાઓએ ત્રીજા મોરચાને સફળ કરવા માટે અનેક પ્રયત્નો ભૂતકાળમાં પણ કર્યા છે પણ તેઓની કારી બહુ ફાવી નથી આજ સુધી તે ગુજરાતનો રાજકીય ઇતિહાસ ચાડી ખાય જ છે.

ગુજરાતની જનતાએ આજ સુધી સૌથી મોટી પાર્ટી ભાજપ અને સૌથી જુની પાર્ટી એવી કોંગ્રેસને જ સ્વીકાર્યા છે. છુટપુટ બેઠકોને બાદ કરતા મેન સ્ટ્રીમમાં કોઇ રાજકીય પક્ષ કોઇ ચમત્કાર બતાવી શક્યો નથી. શંકરસિંહ વાઘેલા હોય કે કેશુભાઇ પટેલ કોઇ ત્રીજા પક્ષને પ્રસ્થાપિત કરી શક્યા નથી.

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઝાડુએ જાદુ ચલાવ્યો અને કેજરીવાલે નજર કરી ગુજરાત તરફ. ગુજરાતની રાજકીય જમીન પર પગ જમાવવા માટે કેજરીવાલે પ્રયાસો હાથ ધર્યા. ગુજરાતની છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવી આપે વિધિવત ગુજરાતના રાજકારણમાં પગપેસારો કરવાનો પ્રયાસ શરૂ કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઇ ચમત્કારીક પરિણામો ભલે ન આવ્યા હોય પણ સુરતમાં આપનું પ્રદર્શન સારૂ રહ્યું હતું અને 20થી વધુ કોર્પોરેટરે સુરતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી. જોકે સુરતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપનું જે પરિણામ આવ્યું હતું તેમાં અનેક પરિબળો જવાબદાર હતા તેવી ચર્ચાઓ જાગી હતી. ભાજપ સામેનો અસંતોષ અને કોંગ્રેસનો આંતરિક વિખવાદ આપના પરિણામો માટે જવાબદાર હોવાનું પણ ચર્ચાયુ હતુ.

જોકે ત્યારબાદની એકેય ચૂંટણીમાં કોઇ નોંધનીય પરિણામ આમ આદમી પાર્ટી બતાવી શકી નથી. રાજકીય નિષ્ણાતોના મતે આપનું ભવિષ્ય ગુજરાતમાં અસ્પષ્ટ કહેવાય તેવું છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ગુજરાત આપમાં એવા એકેય ચહેરા નથી જેને જોઇને જનતા પણ તેમનામાં વિશ્વાસ મુકે.

આપ સાથે અનેક નેતાઓએ ફાડ્યો છેડો

રાજકીય પક્ષોમાં આવન જાવન એ તો ખુબ સ્વાભાવિક ઘટના જેવું છે પણ આમ આદમી પાર્ટી દિલ્હીમાં અનેક નેતાઓ જોડાયા અને ત્યાર બાદ મોહભંગ થતા આપ સાથેનો છેડો ફાડી દીધો હતો. તેમાં કુમાર વિશ્વાાસ અને આશુતોષ જેવા જાણીતા ચહેરાઓએ પણ જોડાયાના થોડા સમયમાં જ આપને અલવિદા કહી દીધું હતું. ગુજરાત આપની વાત કરીએ તો તેમાં રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા ન હોય તેવા લોકો જોડાયા હતા. પત્રકાર, ઉદ્યોગપતિ, લોક ગાયક અને ખેડૂત આગેવાનોને ભેગા કરીને ગુજરાત આપનો ઢાંચો તો તૈયાર કર્યો પણ તે ટકી શક્યો નહીં. એક બાદ એક માથાઓ ગુજરાત આપથી વિમુખ થવા લાગ્યા અને હવે જે રીતની પરિસ્થીતી છે એ મુજબ આપમાં ગણતરીના જ લોકો બચ્યા છે. લોકગાયક વિજય સુંવાળાએ થોડા દિવસ પહેલા જ આપને અલવિદા કર્યુ અને એના એક દિવસ બાદ જ જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપ છોડી દીધુ.

કોર્પોરેટર્સના રાજીનામા પડ્યા

મહેશ સવાણીએ આપ છોડવાની જાહેરાત કરી એ દિવસે રાજકીય ખળભળાટ સર્જાયો જ હતો. તેમને મનાવવાના પણ પ્રયાસો થયા હતા. આશ્ચર્યની વાત એ હતી કે મહેશ સવાણીને મનાવવા માટે સુરતના કોર્પોરેટર્સ પણ ગયા હતા. તેઓએ તેમને મનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. હવે તેમાંના જ કેટલાક કોર્પોરેટર્સ આપથી હવે નારાજ થયા અને ભાજપ સાથે જોડાઇ પણ ગયા.

શું થશે આપનું ?

2022ની વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે અને એ પહેલા જ આમ આદમી પાર્ટી જે રીતે ખાલી થવા લાગી છે તે રીતે તો હવે ગુજરાતમાં આપના અસ્તિત્વ સામે પણ પ્રશ્નો ઉપસ્થીત થવા લાગ્યા છે.

પાર્ટી બદલાતા જ બદલાયા સૂર

શુક્રવારે આપના 5 કોર્પોરેટર વિધિવત આપથી છેડો ફાડીને ભાજપમાં ભળી ગયા છે. એવુ પણ કહેવાય છે કે આ ઓપરેશન ભાજપે જ પાર પાડ્યું છે જેથી 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાની વોટબેંક વધારી શકે અને સાથે જ આપનું મનોબળ વધુ તોડી શકે. આપ સાથે નારાજગી દર્શાવી કમલમ પહોંચી ભાજપમાં ભળેલા કોર્પોરેટર કમલમનું પગથિયું ચઢતા જ ભાજપના ગુણગાન ગાવા લાગ્યા હતા, અને પાછા આપને ભાંડવામાં પણ તેઓએ કસર છોડી નહોતી. કહેવાય છે ને રાજકારણમાં કોઇ કોઇનુ સગુ હોતુ નથી, જે પક્ષ સાથે જોડાઇએ તે પક્ષ સર્વેસર્વા અને બીજા પક્ષ નબળા બનતા અહીં વાર લાગતી નથી.

જે પક્ષના કાર્યાલયનું પગથિયુ તમે ચઢ્યા એ પક્ષના ગુણગાન ગાવાની જાણે કે ફાવટ એ પગથિયાથી જ આવી જતી હોય તેવા ચમત્કારીક હોય છે જે તે પક્ષના કાર્યાલયના પગથિયા !

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share