PM Narendra Modi
Gujarat

ગુજરાતમાં ચૂંટણીના વાદળો વહેલા ઘેરાય તેવી શક્યતા !

2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે પણ શું વહેલી ચૂંટણી જાહેર થઇ શકે છે આ વાતને લઇને લાંબા સમયથી અટકળો લગાવવામાં આવે છે. આમ પણ ગુજરાતની ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ તો બેશક છે જ. ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાત મોડેલને આદર્શ બતાવીને જ 2014માં દિલ્લીની ગાદી ભાજપાએ સર પણ કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ પણ ગુજરાતના હોવાથી સ્વાભાવિક ગુજરાતની ગાદી ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની રહે. પ્રધાનમંત્રી બન્યા બાદ મોદી માટે ગુજરાત પરની તેઓની પકડ અકબંધ રાખવી એ મુખ્ય મુદ્દાઓમાંનો મહત્વનો મુદ્દો છે.
ગુજરાતમાં પકડ બનાવી રાખવા માટે તમામ પ્રયાસો રાજકીય રીતે કરવામાં આવે છે. તેમાં પણ રાજકીય ગલીયારીઓમાં થોડા સમયથી ચર્ચા છે કે ગુજરાતની જમીન પર ભાજપની પકડ ઢીલી થઇ રહી છે અને કોરોના કાળમાં લોકોનો અસંતોષ મતપેટી સુધી ન જાય તેના પણ પ્રયાસો કરવામા સત્તાપક્ષ લાગી ગયું છે, મુખ્યમંત્રીથી લઇને મંત્રીમંડળ સુધીનો ફેરફાર તેનો પુરાવો છે. રોજગારી, મોંઘવારી, સુરક્ષા, કોરોના જેવા મુદ્દાઓ વકરતા સત્તા પક્ષ ભીંસમાં છે તેવામાં ગુજરાતની આ ચૂંટણીમાં ભાજપે 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે તો તેને લઇને તૈયારીઓ પણ પ્રારંભી દીધી છે.
એ વાત સાથે તો તમામ લોકો સંમત થશે કે અસંતોષ ખાળવાની વાત હોય, જન જન સુધી ચૂંટણી ટાણે પહોંચવાની વાત હોય કે ભાજપા કેમ સત્તામાં જરૂરી છે તે વાત જનતાના મનમાં ઠસાવવાની વાત હોય – આ બધી બાબતોનું માઇક્રો પ્લાનીંગ ભાજપ બખૂબી કરી શકે છે અને તે આપણે થોડા વર્ષોના ગુજરાતના તમામ પરિણામોમાં જોઇ ચુક્યા છીએ.
નાનામાં નાની ચૂંટણીમાં પણ ભાજપ પોતાની તમામ શક્તિ લગાડી દે છે તો આ તો હવે 2022ની વિધાનસભાની ચૂંટણી છે. તેના માટે બનતા તમામ પ્રયત્નો ભાજપ કરશે જ. એેવું પણ જાણકારી મળી છે કે માર્ચ મહિનાથી પ્રધાનમંત્રી મોદીનું સંપૂર્ણ લક્ષ્યાંક ગુજરાત અને ગુજરાતની ચૂંટણી હશે. માર્ચ 2022 થી જ મોદીના નિયમિત ગુજરાત પ્રવાસનું આયોજન કરાઇ રહ્યું છે, જોકે વિધિવત જાહેરાત નથી કરાઇ પણ સૂત્રો દ્રારા આ માહિતી તો મળી રહી છે.
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પતતા જ મોદી ગુજરાતના રાજકારણમાં વ્યસ્ત થશે. સૂત્રો મારફતે મળતી જાણકારી અનુસાર, આ રેલીઓની જવાબદારી વિવિધ મોરચાને સોંપાઇ ચુકી છે. અર્થાત જે-તે મોરચા અનુસાર યુવા, મહિલાઓ, ઓબીસી, અનુસૂચિત જાતિ-જનજાતિ વગેરે વર્ગના મતદાતાને ધ્યાને રાખીને આ પ્રચાર સભાનું આયોજન થશે. સામાન્ય રીતે પ્રધાનમંત્રી મોદી કોઇપણ રાજ્યમાં ચૂંટણીલક્ષી પ્રચાર સભાઓ ત્યારે જ કરે જ્યારે ચૂંટણીઓ નજીક હોય અને તે જોતાં માર્ચથી શરૂ થઇ રહેલો તેમનો ગુજરાત પ્રવાસ આ ઇશારો જ કરે છે.
તેમાં પણ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ગુજરાતના દરેક જિલ્લાના પ્રવાસ પર નીકળવાના છે. એક જિલ્લો એક દિવસના એજન્ડા સાથે પાટીલ ગુજરાત યાત્રા યોજવાના છે. આ દરમિયાન મોદીના પ્રવાસ પૂર્વે પાટીલ દરેક જિલ્લામાં ત્યાંની રાજકીય પરિસ્થિતિ અને સંગઠનની સ્થિતિનું આકલન કરશે. જાન્યુઆરીના અંતથી આ પ્રવાસ શરૂ થશે જે એક મહિના કરતાં વધુ દિવસ ચાલશે.
આ તમામ બાબતો ઇશારો કરી રહી છે કે ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વહેલા સંભળાઇ શકે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share