Gujarat

વિકાસની રફ્તાર ધરાશાયી !

ગુજરાત મોડેલને સમગ્ર વિશ્વની સામે ખુબ સુંદર રીતે હંમેશા રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના વિકાસના ઉદાહરણ પણ હંમેશા આપવામાં આવે છે. ગુજરાતના વિકાસની ગાથાને રજૂ કરીને દિલ્હીની ગાદી સુધી પહોંચી શકાય એ વાત પણ સૌ જાણે છે. ગુજરાતના ગામડે ગામડે પાકા રોજ રસ્તા પહોંચ્યા છે, ઘર ઘર સુધી પાણી પહોંચ્યુ છે અને ૨૪ કલાક વીજળી પણ પહોંચાડાઇ હોવાની વાત આપણે સાંભળતા આવ્યા છીએ.
ગુજરાતના મહાનગરોના વિકાસની તો ચર્ચા ચોરે ને ચૌટે સતત કરાય છે. અમદાવાદ રાજકોટ સુરત કે વડોદરાના વિકાસને દેશ સમક્ષ ઉદાહરણ સ્વરૂપ રજૂ કરવામાં આવે છે.

વિક્સીત રાજ્યોમાં સ્વાભાવિક જનસંખ્યા પણ વધવાની અને તેને લઇને ટ્રાફિકની સમસ્યા પણ! તેમાં પણ મહાનગરોમાં વાહનો સતત વધતા ટ્રાફિકની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે, તેને લઇને જ મહાનગરોમાં વધુને વધુ અંડરબ્રીજ અને ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યા છે.

પણ કહેવાય છે ને કે આપણા ત્યાં મોટાભાગના કામ કટકીથી જ ચાલે છે. એટલે જ તો ભ્રષ્ટાચાર મુક્તિની વાતો તો કરવામાં આવે છે પણ ભ્રષ્ટાચાર ચારે કોર ફુલ્યો ફાલ્યો હોવાના આક્ષેપો સતત થતા રહે છે. આ આક્ષેપો થાય પણ ખરા જ કારણકે અનેક પ્રમાણ તેના સમયાંતરે મળતા રહે છે.

રાજકોટની માધાપર ચોકડી પાસે બ્રીજનો સ્લેબ તુટ્યો

રાજકોટની માધાપર ચોકડી પાસે રવિવારે મોડી રાત્રે નવા બની રહેલા ઓવરબ્રીજનું કાચુ કામ બાંધકામ નમી પડ્યું હતુ. આપને જણાવીએ કે તેની બરાબર બાજુમાં જ મુખ્ય હાઇવે છે અને હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર થતી રહેતી હોય છે. જો આ કાચુ બાંધકામ હાઇવે પર પડતુ તો અનેક વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હોત. આ દુર્ઘટનામાં બે મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ દુર્ઘટના થતા જ વિપક્ષ કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવતા કહ્યું હતું કે ભાજપના જ મળતિયાઓને જ કામ આપવામાં આવે છે અને મળતિયાઓ કમિશન લઇને નબળી ગુણવત્તાવાળા મટીરિલનો ઉપયોગ કરે છે.

ઓવરબ્રિજના મેઇન પિલર નમી પડ્યા
ઓવરબ્રિજના મેઇન પિલરો નમી પડ્યા હતા. બીજી તરફ રાત હોવાથી મજૂરો પણ કામ કરતા ન હોવાથી જાનહાનિ ટળી છે. ઘટનાને પગલે આસપાસમાંથી પસાર થતા વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. આ બ્રિજ નમીને બાજુમાંથી પસાર થતાં મુખ્ય હાઇવે પર પડત તો મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી. રાજકોટમાં અમદાવાદની જેમ બ્રિજનું કાચું બાંધકામ ધરાશાયી થતાં લોકોના મનમાં અનેક સવાલો ઊઠી રહ્યા છે.

કામ કરતા શ્રમિકોને અંદાજ આવી જતાં તમામ દૂર થઈ ગયા હતા

આ બનાવને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. બનાવમાં જ્યારે બ્રિજનો ભાગ ધરાશાયી થવાનો હતો તે અગાઉ ત્યાં કામ કરતા શ્રમિકોને અંદાજ આવી જતાં તમામ દૂર થઈ ગયા હતા. જોકે ધડાકાભેર બ્રિજનો બિંબ પડતાં એક શ્રમિકને હાથના ભાગે ઇજા થઇ હતી, જેને સારવાર માટે તરત નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં કામ કરી રહેલા શ્રમિકોએ જણાવ્યું હતું કે એ સિવાય કોઈને ઇજા થઇ નહોતી. મોટી દુર્ઘટના હતી પણ સદનસીબે ત્યાં કામ કરતા શ્રમિકોનો બચાવ થયો હતો. જો કોઈને બ્રિજ પડવાની થોડી પણ ભનક ન લાગી હોત તો ત્રણથી ચાર મજૂરો નીચે દટાઈ જવાની પૂરી સંભાનવના હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

ધરાશાયી થતાં જ બિંબમાં સળિયા દેખાવા લાગ્યા

બનાવ બાદ તૂટી પડેલા બ્રિજના નિર્માનાધિન બિંબમાં સળિયા દેખાવા લાગ્યા હોય મજૂરોથી કાટમાળ ઊપડી જાય તેવી સ્થિતિ ન હોવાથી ક્રેન અને જેસીબીની મદદથી કાટમાળ હટાવવા મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી. બનાવ બાદ સવાલો ઉઠે છે કે, બ્રિજની કામગીરીમાં આ નબળા મટિરિયલ્સથી ઘટના બની કે પછી કોઈ બેદરકારી રહી ગઈ હતી? આ અંગે તંત્રએ તપાસ કરવી જરૂરી છે.

અમદાવાદમાં બોપલ પાસે બની રહેલો બ્રીજ ધરાશાયી

એક મહિના પહેલા 22 ડિસેમ્બરના રોજ અમવાદમાં એસપી રિંગ રોડ ઉપર નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. શાંતિપુરા સર્કલ પર બની રહેલો બ્રિજ તૂટી પડ્યો. ઘટનાની જાણ થતાં અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા. જોકે, મીડિયાને જોઇને ચાલતી પકડી હતી અને સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. 

રણજિત બિલ્ડકોનને ઔડા દ્વારા બ્રિજનો કોન્ટ્રાકટ અપાયો હતો. ઔડા દ્વારા રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગને બ્રિજની કામગીરીની સમીક્ષા કરશે. ઔડાના અધિકારીઓએ મોડી રાત્રે તૂટેલા બ્રિજની મુલાકાત લેવા પહોચ્યા હતા.

કોઈ જાનહાનિ સામે આવી નહોતી

આ મામલે ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતુ કે, ‘નિર્માણાધિન બ્રિજ પર 10થી 12 મજૂરો કામ કરતા હતા. ત્યારે અચાનક જ બ્રિજનો સ્લેબ તૂટી પડતા નીચે ઉતરી ગયા હતા.

સળગતા સવાલ બ્રિજ ધરાશાયી અનેક સવાલો

ઔડા દ્વારા છેલ્લા છ મહિનાથી બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના વળાંક પાસે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. ત્યાં જ આ દુર્ઘટના સર્જાઇ હતી. આ ફ્લાયઓવર 78.47 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. 

અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર નવો બની રહેલો બ્રિજનો ધરાશાયી(Bopal to Shantipura Bridge Collapses) થતાં અનેક સળગતા સવાલો ઉભા થાય છે કે, શું બ્રિજના કામોમાં ભ્રષ્ટાચાર(Corruption in Bridge Works) થયો હતો, શું બ્રિજમાં નબળા મટીરિયલનો ઉપયોગ કરાયો, બનતો બ્રિજ કેવી રીતે બેસી ગયો આ ઉપરાત નબળા કામોથી લઈને જનતાની સુરક્ષા પર સવાલ બની રહ્યાં છે. જો કે એતો હવે આવનાર સમય બતાવશે. પણ આ સમય આવશે ક્યારે તે કોઇ જાણતુ નથી.

વારંવાર આવી ઘટનાઓ બને છે પણ જવાબદારો કોણ છે તે જાણવાનો પ્રચાસ પણ થતો નથી એટલે જ તો કાર્યવાહીનો સવાલ જ ઉભો થતો નથી. માત્ર આવી દુર્ઘટનાઓ સર્જાય ત્યારે કહી દેવામાં આવે છે કે તપાસ કરવામાં આવશે પણ તપાસ માત્ર કાગળ પર જ રહી જાય છે અને એટલે જ નથી અટકતી આવી દુર્ઘટનાઓ…

22 ડિસેમ્બરે અમદાવાદમાં બ્રીજ ધરાશાયી થયો અને 24 જાન્યુઆરીના રોજ રાજકોટમાં આ દુર્ઘટના સર્જાઇ છતા પણ તંત્રના પેટનું પાણી પણ હાલતુ નથી એ કેવી વિટંબણા કહેવાય.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share