World

યુક્રેન-પોલેન્ડ સરહદ પર BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકોએ લોકોની સેવા કરી તેમની આંતરડી ઠારી

રશિયાના આક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચૂકેલા ભારતીયોની સેવામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો દિવસ-રાત જોડાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમ દિવસે મધ્ય રાત્રિએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન-પોલેન્ડની સરહદ પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ લેવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને જણાવ્યું હતું.

સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી, તાત્કાલિક ધોરણે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા અને ગઈકાલે બી.એ.પી.એસ. સંસ્થાના યુરોપ સ્થિત સ્વયંસેવકો સરહદ પર અસરગ્રસ્તોની સેવામાં પહોંચી ગયા છે. પેરિસ અને સ્વિત્ઝર્લેન્ડથી સતત 22 કલાકનું ડ્રાઈવ કરીને મોબાઈલ કિચન વાન સાથે બી.એ.પી.એસ.ના અગ્રણી સ્વયંસેવકો શ્રી ચિરાગભાઈ ગોદીવાલા, શ્રી શૈલેષભાઈ ભાવસાર તેમજ અન્ય સ્વયંસેવકો યુક્રેન-પોલેન્ડની સરહદ પાસેના રેસ્ઝો નગરમાં પહોંચીને અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયા છે.

સરેરાશ 800 થી 1000 લોકોને શાકાહારી ગરમ ભોજન આપીને આ સ્વયંસેવકો તેમની આંતરડી ઠારી રહ્યા છે. કારમી ઠંડીમાં માઈનસ ત્રણ-ચાર ડીગ્રી તાપમાનમાં દિવસોના દિવસો સુધી ચાલીને આવેલા ભારતીય વિદ્યાર્થીઓને અહીં ગરમ ભારતીય ભોજન મળતાં તેઓ રાહતનો હાશકારો અનુભવે છે.

કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો સામાન ઊંચકીને એક દિવસમાં 40-50 કિલોમીટર અંતર ચાલીને અહીં પહોંચ્યા છે. તેમની આ દયનીય હાલત જોઈને સંસ્થાના સ્વયંસેવકો પણ દ્રવિત થઈ જાય છે. સ્નેહપૂર્વક ગરમ ભોજન અને હૂંફ આપીને બી.એ.પી.એસ.ના સ્વયંસેવકો તેમને નવી જિંદગી આપી રહ્યા છે. ભારત સરકાર વતી ભારતીય રાજદૂતાવાસે રેસ્ઝો શહેરની પ્રસિદ્ધ હોટલના કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા આપી છે. અહીં ભારતભરના બધી જ કોમ્યુનિટીના વિદ્યાર્થીઓને સમાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. બી.એ.પી.એસ. સંસ્થાના સ્વયંસેવકો તેમને આત્મિયતાપૂર્વક મદદ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વમાં જ્યારે જ્યારે પણ આવી પ્રાકૃતિક કે માનવસર્જિત આપત્તિઓ આવી પડે છે ત્યારે આપત્તિગ્રસ્તોની સેવામાં મોખરે રહીને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ હંમેશાં લોકોના આશીર્વાદ મેળવ્યા છે. વર્તમાન સમયે પણ પોલેન્ડ ખાતે ભારતીય વિદ્યાર્થીઓ સંસ્થાની આ ટાણાની સેવાથી રાહતનો અનુભવ કરીને સંસ્થાના સ્વયંસેવકોને હૃદયપૂર્વક બિરદાવી રહ્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share