HOI Exclusive Main

ચૂંટણી આવતા જ ફરી ધર્મ ‘ખતરા’માં !

દેશના કોઇપણ ખૂણે ચૂંટણી હોય એટલે ત્યાંના વાતાવરણમાં હંમેશા પરિવર્તન આવતુ આપણે જોતા હોઇએ છીએ. વાતાવરણ પલટાય છે પણ એ વાતાવરણ પલટાય છે રાજકીય ક્ષેત્રે. રાજકીય પક્ષોના વાણી, વર્તન અને વિચાર ચૂંટણી આવતા જ પલટાઇ જાય છે.
દેશમાં હવે પાંચ રાજ્યોની ચૂંટણી નજીકમાં અને ત્યાં રાજકીય પક્ષો જનતાને પોતાના તરફ આકર્ષિત કરવાના પ્રયાસો તેજ કરી રહી છે. પણ બદલાયેલી રાજનીતિની તાસીરના હિસાબે હવે મુદ્દા અને નિવેદન કે વચનો જનતાની સુખાકારીના ઓછા ને પોતપોતાના પક્ષોના વિકાસ પર જ આધારિત વધુ હોય છે. રાજકીય પક્ષો માત્ર વોટની રાજનીતિ જ કરે છે અને એના માટે ગમે તે નિવેદન આપતા પણ અચકાતા નથી. થોડા સમયથી આપણે જોઇએ છીએ કે રાજકીય પક્ષો હવે હલકા રાજકારણ તરફ વળ્યા છે. આક્ષેપ પ્રતિઆક્ષેપ, આરોપ કરતા અટકતા નથી. એસિડીક નિવેદનો હવે બદલાતી રાજનીતિની નવી ઓળખ બની ચુકી છે.
પાંચ રાજ્યોમાં ચૂંટણી છે તો રાજનેતાઓના નિવેદનમાં ક્યારેક જિન્ના, તો ક્યારેક ગાંધી ને ક્યારેક હિંદુ મુસલમાનને લઇને નિવેદનો સંભળાય છે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં અત્યારે રેલીઓનો દોર ચાલી રહ્યો છે, તેમાં રાજકીય પક્ષોએ ઝેર ઓકી રહ્યા હોય તેવા નિવેદનો કરવામાં જાણે હોડ લગાવી હોય તેમ લાગી રહ્યું છે. રેલીઓમાં નિવેદનબાજી તો ચાલી જ રહી છે પણ સાથે સાથે ધર્મ સંસદ અને અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં આગ ઓકવામાં આવી રહી છે. મુસલમાનોની સાથે સાથે મહાત્મા ગાંધી પણ નિશાને આવી ગયા છે. કોઇ ઘર વાપસીની વાત કરે છે તો કોઇ વધુ બાળકો પેદા કકવાની સલાહ આપી રહ્યું છે. કોઇ હથિયાર ઉઠાવવાને સાચુ ઠેરવે છે તો કોઇ રસ્તા પર નમાજ પઢવાને ગુનો ઠેરવવાના પ્રયાસમાં છે. હિંદુ અને મુસલમાન બન્નેને એમ ઠસાવવામાં આવી રહ્યું છે કે, ધર્મ ખતરામાં છે. સવાલ એ જ છે કે ચૂંટણી આવતા જ આ નિવેદનો કેમ વધે છે ? શું આ કોઇ એજન્ડાનો ભાગ છે ?

હમણાં જ રાયપુરમાં જે ધર્મ સંસદનું આયોજન થયું તેમાં મહારાજ કાલીચરણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિષે અપમાનજનક ચિપ્પણી કરી હતી. વળી તેમની હત્યા કરનાર નાથુરામ ગોડસ્ન્ મંચ પરથી નમન કર્યા હતા. આ વિડીયો વાયરલ થતા જ ન માત્ર દેશમાં પણ વિદેશથી પણ આ નિવેદનને વખોડવામાં આવ્યું હતુ.

આવનારા થોડા મહિનામાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણીપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઇને આવા નિવેદનો વધી રહ્યા હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. મતદારોને આકર્ષિત કરવા માટે આ પ્રકારનું ઝેર ઓકવામાં આવી રહ્યું છે.

26 ડિસેમ્બર : ગોડસેને નમન

રાયપુરમાં ધર્મ સંસદમાં મહારાજ કાલીચરણે રાષ્ટ્રપિતાને લઇને અપમાનિત વેણ ઉચ્ચાર્યા હતા અને નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરીને યોગ્ય કર્યું હોવાનું વિવાદીત નિવેદન આપ્યું હતુ.

26 ડિસેમ્બર : તેજસ્વી સૂર્યાનું ધર્માંતરણ પર નિવેદન

બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સૂર્યાનું નિવેદન પણ ખુબ ચર્ચામાં છે. ઉડ્ડુપીના શ્રી કૃષ્ણ મઠમાં આયોજીત એક કાર્યક્રમમાં તેજસ્વી સૂર્યાએ નિવેદન આપ્યું કે, હજારો વર્ષોથી ક્યારેક જબરજસ્તી, તો ક્યારેક ડરાવીને તે ક્યારેક ધમકાવીને અને ક્યારેક લાલચ આપીને હિંદુઓને પોતાના ધર્મથી અલગ કરવામાં આવી રહ્યા છે. આ વિસંગતતા દૂર કરવાનો એક જ ઉપાય છે કે જે લોકો પોતાનો ધર્મ છોડી ચૂક્યા છે તેમને પરત પોતાના ધર્મમાં લાવવામાં આવે. જોકે વિવાદ વધતા તેજસ્વીએ માફી માંગી લીધી હતી.

25 ડિસેમ્બર : નાતાલમાં બજરંગ દળે ચર્ચમાં કરી બબાલ

25 ડિસેમ્બરે હિંદુવાદી સંગઠનોએ દેશના અનેક વિસ્તારોમાં નાતાલની ઉજવણીનો વિરોધ કર્યો હતો. હરિયાણાના કુરુક્ષેત્રમાં બજરંગદળે એક શાળામાં ધસી જઇ નાતાલની ઉજવણીનો વિરોધ કર્યો હતો. અસમના સિલચરના ચર્ચમાં પણ બજરંગ દળે ઉત્પાત મચાવ્યો હતો. હરિયાણાના ગુરૂગ્રામમાં એક શાળામાં ઉજવણી દરમિયાન ધસી જઇ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

17 ડિસેમ્બર : મુસલમાનોની વસ્તી વધી રહી છે.

હરિદ્રારમાં આયોજીત ધર્મ સંસદમાં વિવાદીત નિવેદનો આપવામાં આવ્યા. યતિ નરસિંહાનંદ ગીરીએ નિવેદન આપ્યું કે, હથિયાર ઉઠાવ્યા વિના કોઇ જ્ઞાતિ ના બચી છે કે ના બચશે. 2029 માં દેશનો પ્રધાનનંત્રી મુસલમાન હશે કારણકે સતત મુસલમાનોની આબાદી વધી રહી છે અને હિંદુઓ ઘટી રહ્યા છે. માત્ર ૭ વર્ષની અંદર રોડ રસ્તા પર માત્ર મુસલમાનો જ દેખાશે.

ડિસેમ્બર ૨૦૨૧ : વધુ બાળકો પેદા કરો.

અલીગઢના MIM પાર્ટીના જીલ્લાધ્યક્ષ ગુફરાન નૂરના નિવેદન વિવાદ જન્માવ્યો હતો. ગુફરાને કહ્યું હતું કે આપણને ઓછા બાળકોને જન્મ આપો તેમ કહેવામાં આવે છે, જો આમ થયું તો આપણું રાજ કેવી રીતે આવશે ? ઓવૈસી કેવી રીતે પ્રધાનમંત્રી બનશે ? આપણને ડરાવવામાં આવી રહ્યા છે જે શરિયતના ખિલાફ છે.

12 ડિસેમ્બર : મોદી અને યોગી કાયમ નહીં રહે.

અસદુદ્દીન ઓવૈસીએ કાનપુરની એક રેલીમાં આપેલુ નિવેદન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પોલીસતંત્રને ધમકાવતા ઓવૈસીએ નિવેદન આપ્યું હતું કે, યોગી કાયમ સીએમ નહીં રહે અને મોદી પણ કાયમી પીએમ નહીં રહે. ઓવૈસીએ વધુમાં કહ્યું કે દેશનો મુસલમાન અત્યારે આ સમયમાં મજબૂર છે પણ તે આ વાતો ભુલશે નહીં. મોદી પહાડોમાં અને યોગી મઠમાં ચાલ્યા જશે ત્યારે પોલીસને કોણ બચાવશે ?

31 ડિસેમ્બર : ગાંધી અને સરદારની સરખામણી જીન્ના સાથે.

સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવે હરદોઇમાં એક જનસભા સંબોધતા સમયે મહોમ્મદ અલી જિણાની સરખામણી મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે કરી લીધી. અખિલેશ્ કહ્યું કે, સરદાર પટેલ જમીનને જાણતા હતા, અને નિર્ણયો પણ એમજ લેતા હતા એટલે જ તેમને આયર્ન મેન કહેવાયા. સરદાર પટેલ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને જિન્ના બધા એક દ જગ્યાથી બેરિસ્ટર થયા હતા. તેઓએ આપણને આઝાદી અપાવી, અનેક સંઘર્ષો આવ્યા સામે પણ તેઓ પાછળ ન હટ્યા.

5 સપ્ટેમ્બર : મુસલમાનોની નાગરિકતા પર સવાલ.

અયોધ્યાના સ્વામી પરમહંસ દાસે બારાબંકીમાં મુસ્લીમોને લઇને વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે મુસ્લીમો આ દેશમાં રહીને આતંકીઓને પ્રોત્સાહન આપશે અને સમગ્ર દેશને આતંક તરફ ઢસડી જશે. એટલે મુસલમાનોની નાગરિકતા સમાપ્ત કરી દેવી જોઇએ. તેઓને અહીં રહેવું હોય તો તેઓ આપણા ગુલામ બનીને રહે નહીં તો પાકિસ્તાન જતા રહે.

હિંદુ / હિંદુત્વવાદીની લડાઇ

કોંગ્રેસ નેતા અને સાસંદ રાહુલ ગાંધીએ હરિદ્રાર ધર્મ સંસદનું નિવેદન સામે આવતા પ્રતિક્રિયા આપી અને કહ્યું કે હિંદુત્વવાદી હંમેશા નફરત ફેલાવવાનું કામ કરે છે. આ પહેલા જયપુરની એક રેલીમાં પણ હિંદુ અને હિંદુત્વનો મુદ્દો રાહુલ ગાંધીએ છેડ્યો હતો. તેમણે પોતાને હિંદુ કહ્યા હતા અને કહ્યું હતું કે ગાંધી હિંદુ હતા અને ગોડસે હિંદુત્વવાદી.
માત્ર કોંગ્રેસ જ નહીં પણ સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી પણ સોફ્ટ હિંદુત્વ તરફ આગળ વધી રહી હોય તેમ તેમના નિવેદનોથી લાગી રહ્યું છે.

જોકે ભારતના બંધારણમાં ભડકાઉ ભાષણને અપરાધિક શ્રેણીમાં મુકવામા આવ્યું છે. વાતાવરણ ડહોળવુ અને બે સમુદાય વચ્ચે તનાવ પેદા કરવાની કોશિશને આઇપીસી ધારા ૧૫૩/ એ હેઠળ અપરાધીક ગતિવિધી ગણવામાં આવે છે. આવા મામલામા ૩ વર્ષની સજાની પણ જોગવાઇ કરવામાં આવી છે.

બંધારણમાં જે પણ કહેવાયું હોય પણ બદલાતી રાજનીતિ આ બધી બાબતોથી પર પોતાને સમજે છે અને પોતાના હિત માટે બીજાનું નુકસાન કરતા સહેજેય ખચકાતી નથી. એટલે જ તો કહેવાય છે કે રાજકારણ હવે સાવ નીચલા સ્તરે પહોંચી ચુક્યુ છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share