અમિત શાહ કેપ્ટન અમરિંદરસિંહ
India News

પંજાબમાં બેઠકની વહેંચણીને લઇ અમિત શાહને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ

પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કૅપ્ટન અમરિન્દર સિંહે સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. સોમવારે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બેઠક વહેંચણીના કરારને અંતિમ સ્વરૂપ આપશે. થોડા અઠવાડિયા પહેલા કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી 2022 વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે જોડાણની જાહેરાત કરી હતી.

આ બેઠકમાં ભાજપના પંજાબ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને અકાલી દળના પૂર્વ ધારાસભ્ય સુખદેવ સિંહ ધીંડસા પણ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ આ ગઠબંધનમાં ‘મોટા ભાઈ’ની ભૂમિકામાં રહેવા માંગે છે, અને રાજ્ય વિધાનસભાની 117માંથી લગભગ 70 બેઠકો રાખવા માંગે છે. લગભગ 30-35 બેઠક કેપ્ટનની પાર્ટીને અને 10-15 બેઠક ધીંડસાની પાર્ટીને મળી શકે છે.

પંજાબમાં ગઠબંધનનો ચૂંટણી પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં એક રેલી સંબોધન કરીને શરૂ કરે તેવી શક્યતા છે.

પંજાબ કોંગ્રેસમાં કડવાહટ ભર્યા વિવાદ બાદ મુખ્યમંત્રી પદ અને પક્ષ છોડનારા કેપ્ટન અમરિન્દર સિંહે મહિનાની શરૂઆતમાં જોડાણની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, માત્ર બેઠક વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. ગજેન્દ્ર સિંહ શેખાવતને મળ્યા બાદ કેપ્ટને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “અમે જોઈશું કે કોણ ક્યાંથી લડશે, જીતવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને જ બેઠકોની પસંદગી કરવામાં આવશે.”

79 વર્ષીય ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગઠબંધન આગામી વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે. તેમણે કહ્યું હતું કે, “ગઠબંધન 101 ટકા ચૂંટણી જીતવા જઈ રહ્યું છે. હું આ લેખિતમાં આપી શકું છું.”

બીજી તરફ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે એક અલગ પોસ્ટમાં લખ્યું છે કે ગઠબંધનની રચના માટે ‘સાત રાઉન્ડની વાતચીત’ થઈ હતી.


2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જંગી જીત અપાવનાર કેપ્ટન અમરિન્દર સિંહ પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવાની લડાઈમાં કોંગ્રેસ સામે સંપૂર્ણ રીતે લડી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી પદ છોડતી વખતે પણ તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તેમને વારંવાર ‘અપમાનિત’ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા તેમના રાજીનામાના પત્રમાં, કેપ્ટને એમ પણ લખ્યું કે તેઓ “ન તો થાકેલા છે કે ન તે નિવૃત્ત થયેલા છે”

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share