mahesh savani resigned
Gujarat Main

મહેશ સવાણીનું આપમાંથી રાજીનામું, ભાજપમાં જોડાઈ શકે તેવી પ્રબળ સંભાવના

આમ આદમી પાર્ટીને સોમવારે બીજો એક રાજકીય ઝટકો લાગ્યો છે. વિજય સુવાળા બાદ મહેશ સવાણીએ રાજીનામું આપી દીધું છે. તેઓ હવે માત્ર સમાજ સેવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવું કહેવાઈ રહ્યું છે તો બીજીબાજુ તેઓ ભાજપમાં પણ જોડાઈ શકે છે તેવી પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે.

મનીષ સિસોદિયાની હાજરીમાં આપમાં જોડાયા

નોંધનીય છે કે, મહેશ સવાણી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જૂન, 2021ની સુરતની મુલાકાતે વખતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ‘આપ’નો ખેસ પહેર્યા બાદ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. મહેશ સવાણી ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

‘આપ’માં જોડાયા બાદ મહેશ સવાણીએ કહ્યું હતું કે, ‘મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. સત્તાધીશો મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું. પણ મેં નક્કી કર્યું છે કે, ભલે મારે જેલમાં જવું પડશે, ભલે બે-બે ગોળી મારી દેશે. મેં નવી જમીન પસંદ કરી છે.

કોણ છે મહેશ સવાણી?

મહેશ સવાણી બિઝનેસમેન હોવાની સાથે સાથે અનાથ દીકરીઓના લગ્ન કરાવવા માટે પણ રાજ્યભરમાં જાણીતા છે. આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની સાથે કેટલાક વિવાદ પણ સંકળાયેલા છે. વર્ષ 2020માં બિલ્ડરનું અપહરણ કરવા મામલે તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરતમાં ‘વલ્લભ ટોપી’ના નામે જાણીતા છે.સુરતમાં હીરાના વ્યવસાયમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભભાઈએ અઢળક સફળતા સાથે સારી એવી કમાણી પણ કરી. આજે ડાયમંડ,એજ્યુકેશન, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી.પી. સવાણી ગ્રૂપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યાં છે.

આશરે 2500 કરોડ રૂપિયાથી વધુંનુ ટર્નઓવર ધરાવતા આ ગ્રૂપના એમડી તરીકે કામ કરી રહેલા મહેશ સવાણી પણ પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે. મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે. એટલું જ નહીં છેલ્લા ઘણા વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરતા મહેશ સવાણીએ પોતાના દીકરાના લગ્ન પણ આ રીતે જ કરાવ્યા હતા. આ ઉપરાંત મહેશભાઈએ ઉરીમાં શહીદ થયેલા જવાનોના બાળકોના ભણતરનો ખર્ચની જવાબદારી લીધી હતી.

મહેશ સવાણી સાથે જોડાયેલા કેટલાક વિવાદોની વાત કરીએ તો ચારેક વર્ષ પહેલા ટ્રાવેલ્સ એસોસીયેશનના પ્રમુખની સાથે જમીનમાં ચિટિંગ કરી ધમકી આપવા મામલે મહેશ સવાણી અને તેના પિતા વલ્લભભાઈ સવાણી(ટોપી) સામે કતારગામ પોલીસમાં અરજી થઈ હતી. આ ઉપરાંત જાન્યુઆરી, 2020માં બિલ્ડર ગૌતમ પટેલના અપહરણ મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં મહેશ સવાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ પોલીસે તેમના ચાર સાગરીતોને સવાણીની ઓફિસમાંથી પકડી પાડ્યા હતા. આ સમયે મહેશ સવાણી ફરાર થઈ ગયા હતા.

સુરતના ઉદ્યોગપતિ અને હજારો દત્તક દીકરીઓના પિતા એવા ભામાશા ગણાતા મહેશભાઈ સવાણીએ કોરોનીની બીજી લહેર સમયે ‘સેવા’ નામે શરુ કરેલા સંગઠનની 11 કોવિડ અઈસોલેશન સેન્ટરો શરૂ કર્યા હતા. તેમજ સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ તેમની ટીમ લઈને કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે પહોંચ્યા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share