India Main

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ

Listen Article
Getting your Trinity Audio player ready...

પ્રધાનમંત્રીએ જામનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ (GCTM)નું ભૂમિપૂજન મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથ અને WHOના વડા ડૉ. ટેડરોસ એધનોમ ની વિશેષ ઉપસ્થિતમાં કર્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GCTM ના સફળ ક્રિયાન્વયન માટે આપ્યા પાંચ લક્ષ્યો

• વિશ્વભરની ટ્રેડિશનલ મેડિસિન વિદ્યાઓનું ટેક્નોલોજીથી સંકલન

• ટ્રેડિશનલ મેડિસિનના ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઘડવા

• પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના તજજ્ઞો, નિષ્ણાતો માટે GCTM એક વૈશ્વિક મંચ બને

• પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ-દવાઓના ક્ષેત્રે શોધ-સંશોધન માટે પૂરતું મૂડીરોકાણ લાવવું

• ટ્રેડિશનલ મેડિસિનથી ટ્રિટમેન્ટના પ્રોટોકોલ નક્કી કરવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ભારતમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ થયો છે. આ માત્ર ભવનનો શિલાન્યાસ નથી, પરંતુ પ્રાકૃતિક-પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં વિશ્વાસ રાખનારા લોકો માટેના આગવા કેન્દ્રની શરૂઆત છે. તે દુનિયાને અલ્ટરનેટ મેડિકલ સોલ્યુશન આપવામાં મદદરૂપ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ જામનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ (GCTM)નું ભૂમિપૂજન મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિંદ જગન્નાથ અને WHOના વડા ડૉ. ટેડરોસ એધનોમ ની વિશેષ ઉપસ્થિતમાં કર્યુ હતું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ સર્વ શ્રી સર્વાનંદ સોનોવાલ, મનસુખભાઇ માંડવીયા અને મહેન્દ્ મૂંજપરા સહિત વિવિધ દેશોના પ્રતિનિધિઓ, આમંત્રિતો પણ આ ભૂમિપૂજન અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનશ્રીએ ઉમેર્યુ કે, આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની સ્થાપનામાં વિશ્વ આરોગ્ય સંગઠન અને ભારત સરકારના આયુષ મંત્રાલયની ભાગીદારી માનવતાની સેવાની જવાબદારી નિભાવવા માટેની છે. આવનારા પચ્ચીસ વર્ષમાં ટ્રેડિશનલ મેડિસિન દુનિયાના દરેક પરિવારો માટે મહત્વની બની જશે.વડાપ્રધાનશ્રીએ આ તકે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના સફળ ક્રિયાન્વયન માટે પાંચ લક્ષ્યો આપ્યાં હતાં, જે અંતર્ગત પ્રથમ લક્ષ્ય જણાવતા તેમણે કહ્યું કે, વિશ્વભરની ટ્રેડિશનલ મેડિસિન વિદ્યાઓનું ટેક્નોલોજીથી સંકલન કરી, એક વૈશ્વિક ડેટાબેઝ-રિપોઝેટરી બનાવવામાં આવે, જે આવનારી પેઢીને મદદરૂપ થાય.

બીજા લક્ષ્ય વિશે તેમણે કહ્યું કે, પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ-દવાઓની સ્વીકૃતિ વધારી શકાય તે માટે ટ્રેડિશનલ મેડિસિનના ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઘડવા આવશ્યક છે,.

તેમણે ત્રીજા લક્ષ્ય અંગે કહ્યું કે, પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના તજજ્ઞો, નિષ્ણાતો માટે જી.સી.ટી.એમ. એક વૈશ્વિક મંચ બની રહે અને તે માટે વાર્ષિક સમારોહ-સંમેલન યોજાય તે જરૂરી છે.

વડાપ્રધાને ચોથું લક્ષ્ય જણાવતા કહ્યું કે, પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ-દવાઓના ક્ષેત્રે શોધ-સંશોધન માટે પૂરતું મૂડી રોકાણ લાવવું અને તે માટે ફંડ મોબિલાઈઝેશન પણ અતિ આવશ્યક છે. આ ગ્લોબલ સેન્ટરે તે માટે કાર્યરત થવું પડશે.

તેમણે પાંચમા લક્ષ્ય અંગે કહ્યું કે, માનવસમુદાયને મોર્ડન પ્લસ ટ્રેડિશનલ એમ બન્ને ચિકિત્સા પદ્ધતિઓ ધરાવતા હોલિસ્ટિક હેલ્થ એપ્રોચનો લાભ મળી રહે તે હેતુથી ટ્રેડિશનલ મેડિસિનથી ટ્રિટમેન્ટના પ્રોટોકોલ નક્કી કરવામાં આ કેન્દ્રએ ચાવીરૂપ ભૂમિકા અદા કરવી પડશે.

પ્રધાનમંત્રીશ્રીએ આ સંદર્ભે વધુમાં કહ્યું કે, આજથી પાંચ દશક પહેલાં વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના જામનગરમાં થઈ હતી. કોરોનાકાળમાં હેલ્થકેર ડિલિવરી માટે નવા આયામોની આવશ્યકતા દુનિયાને સમજાઈ છે, ત્યારે જામનગર ખાતેનું આ ગ્લોબલ સેન્ટર વસુદેવ કુટુમ્બકમ, સર્વે સન્તુ નિરામયાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારું કેન્દ્ર બની રહેશે.

તેમણે ઉમેર્યું કે, ભારતીય જીવનપ્રણાલી આયુર્વેદના માધ્યમથી સંતુલિત આહાર, શરીર-મનનું સંતુલન, તેમ જ યોગ-પ્રાણાયામયુક્ત દિનચર્યાને પ્રાધાન્ય આપે છે. સો વર્ષના આયુષ્યની કામના આપણે ત્યાં સહજ છે. ભારતનું આ જ્ઞાન અહીં પારંપારિક ચિકિત્સા પદ્ધતિઓના વિકાસમાં મોટો ફાળો આપશે.

વડાપ્રધાનશ્રીએ WHOના વડા શ્રી ટેડરોસ એધનોમનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે શ્રીયુત ડો. ટેડરોસે તેમના માનસ સંતાન સમાન આ ગ્લોબલ સેન્ટરને હવે ભારતને સોંપ્યું છે.

વડાપ્રધાને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જગન્નાથનો પણ જી.સી.ટી.એમ.ની સફળતા માટે શુભકામનાઓ પાઠવવા બદલ આભાર માન્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશમાં યોગ-આયુર્વેદના ભારતીય જ્ઞાન-પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો પ્રાચીન વારસો આજે વૈશ્વિક આરોગ્ય સુરક્ષાના હેતુથી અલગ જ સ્વરૂપે પ્રસ્તુત થઈ રહ્યો છે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી ‘બહુજન હિતાય બહુજન સુખાય’ સૂત્ર સાકાર થવાનું છે.તેમણે કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન રૂપે અમૃત કળશની ભેટ દેશને આપી છે. ભારતમાં યોગ-આયુર્વેદ જેવી પ્રાચીન પરંપરાગત ઉપચાર પદ્ધતિઓનો ખજાનો રહેલો છે. વિશ્વભરની ૧૩૮ જેટલી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના જ્ઞાનના આદાન-પ્રદાન માટે આ કેન્દ્ર આંતરરાષ્ટ્રિય મંચ બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સરકારે આયુર્વેદ, યોગ અને બીજી આયુષ પદ્ધતિઓ તથા સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થાની સાથે સંયોજિત કરવાનો નિર્ધાર કર્યો છે. એકવીસમી સદીમાં આધુનિક વિજ્ઞાન સાથે આ પ્રાચીન જ્ઞાનને જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય આ ગ્લોબલ સેન્ટરથી હાથ ધરાશે.ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી યોગ-આયુર્વેદની ભારતીય પરંપરાના પ્રચારના વડાપ્રધાનશ્રીના પ્રયાસોને કારણે વિશ્વ સમુદાયમાં ભારતનો સોફ્ટ પાવર વધ્યો હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો.તેમણે ઉમેર્યું કે, વિશ્વ આખાને એક પરિવાર સમજી, સૌના સ્વાસ્થ્ય, સૌની તંદુરસ્તી માટે આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કાર્યરત બનશે.

વડાપ્રધાનશ્રીએ ગ્લોબલ હેલ્થ ફેસિલિટિઝના નકશા ઉપર જામનગર-ગુજરાતને કાયમી ધોરણે અંકિત કરી દીધું છે.

મોરેશિયસના પ્રધાનમંત્રીશ્રી પ્રવિન્દ જગન્નાથે જણાવ્યું કે, માનવ શરીરના ઉપચાર માટે વનસ્પતિ, ખનીજો જેવા કુદરતી પદાર્થો સદીઓથી વપરાતા આવ્યા છે. જી.સી.ટી.એમ. આ માનવજ્ઞાનના સંવર્ધન માટેનું અધિકૃત અને વિશ્વસનીસ અને કેન્દ્ર બની રહેશે. તેમણે કહ્યું કે ૧૯૩૪થી મોરેશિયસમાં ભારતીય ઉપચાર પદ્ધતિઓ અમલમાં છે. ત્યાં આયુર્વેદ એક માન્ય ઉપચાર પદ્ધતિ છે.દર વર્ષે ધનતેરસની ઉજવણી સમગ્ર મોરેશિયસમાં આયુર્વેદ દિવસ તરીકે કરવામાં આવે છે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી. આ કાર્યક્રમમાં મોરેશિયસને સહભાગી કરવા બદલ તેમણે ભારત પ્રત્યે હર્ષની લાગણી વ્યકત કરી હતી.

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ વિડિયો મેસેજના માધ્યમથી કહ્યું કે, ટ્રેડિશનલ મેડિસિન અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય આરોગ્ય વિષયક નવા પડકારોનો સામનો કરી શકે છે. યુનાની, આયૂર્વેદિક, હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિઓની બાંગ્લાદેશમાં વ્યાપક પણે ઉપયોગમાં છે, તેમ તેણીએ ઉમેર્યું હતું.

ભૂતાનના વડાપ્રધાન લોતેય શેરિંગે વિડિયો મેસેજના માધ્યમથી જણાવ્યું હતું કે, ભૂતાનની પર્વતીય ભૂમિ-પ્રાકૃતિક વનરાજીને કારણે ટ્રેડિશનલ મેડિસિનની પ્રેક્ટિસને મોટો અવકાશ ઉપલબ્ધ છે. સમગ્રતયા આરોગ્ય સુરક્ષા માટે ટ્રેડિશનલ મેડિસિન સાથે એલોપેથીનું ઈન્ટિગ્રેટેડ મોડેલ આદર્શ છે, તેમ તેણીએ ઉમેર્યું હતું.

નેપાળના વડાપ્રધાન શેર બહાદૂર દેઉબાએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત દેશ નેચરલ મેડિસિનનું ગ્લોબલ હબ બનવા તરફ જઈ રહ્યું છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ગ્લોબલ સેન્ટરની સ્થાપનાથી વિશ્વ આરોગ્યની મોટી સેવા કરવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા.

WHOના વડા ડૉ. ટેડરોસ એધનોમે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને કમિટમેન્ટને કારણે ભારતમાં આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું નિર્માણ શક્ય બની રહ્યું છે. આ નવું કેન્દ્ર સમગ્ર વિશ્વના આરોગ્યની કાળજી, કુદરતી ઉપચારથી લેવામાં ઉપયોગી નીવડશે, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, જામનગર ખાતેનું આ કેન્દ્ર પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટેના આઈ.પી.આર. નિર્ધારિત કરવામાં, રિસર્ચ એન્ડ એનાલિસિસ કરવામાં, વિશ્વસનીય માહિતીના સંચય અને સંવર્ધન કરવામાં, ઈનોવેશન, ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સનો ઉપયોગ કરવામાં મદદરૂપ થશે.

તેમણે ઉમેર્યું કે, GCTMથી ગવર્નમેન્ટ, મેડિકલ પ્રેક્ટિશનર્સ અને એકેડેમિશિયન્સ એક મંચ પર આવશે તેમજ દુનિયાના લોકો ભારતના જામનગરમાં આવશે અને જામનગર-ભારતનું આ કેંદ્ર દુનિયા સુધી પહોંચશે.

GCTMના વિકાસ માટે આવનારા દિવસોમાં WHO દ્વારા સંપૂર્ણ સહયોગની ખાતરી તેમણે આપી હતી. આયુષ વિભાગના મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે, WHOએ કોરોના મહામારીના કપરા કાળ વચ્ચે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનું વૈશ્વિક કેન્દ્ર ભારતમાં સ્થાપી વૈશ્વિક આરોગ્ય સુરક્ષાની દિશામાં મોટું પગલું ભર્યું છે.

Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.
×
Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share