India

જગન્નાથપુરીમાં પ્રમુખસ્વામી મહારાજનું વિશિષ્ટ સન્માન અને ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’નો ઉદ્ઘોષ

Listen Article
Getting your Trinity Audio player ready...
  • પૂર્વ ભારતના તીર્થધામ જગન્નાથ પુરીમાં અક્ષરપુરુષોત્તમ દર્શનનું ભવ્ય સ્વાગત
  • જગન્નાથપુરીના મહારાજાએ પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મ શતાબ્દી અવસરે આપ્યું વિશિષ્ટ સન્માન
  • સ્વામી ભદ્રેશદાસજીને ‘ભાષ્યકાર મહાચાર્ય’ની પદવીથી સન્માનિત કરાયા

પાંચ રાજ્યોના વિદ્વાનોએ મળીને અક્ષરપુરુષોત્તમ દર્શનને આપ્યું સમર્થન

ઉત્કલ પરિષદ અને સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ૨૧ થી ૨૩ માર્ચ દરમિયાન શ્રી જગન્નાથપુરી સ્થિત કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના સદાશિવ પરિસર, પુરીમાં ‘અક્ષર પુરુષોત્તમ દર્શન: અન્ય દર્શનો સાથે સંવાદ’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંગોષ્ઠીનું ઉદ્ઘાટન જગન્નાથપુરીના મહામાન્ય મહારાજા ગજપતિ શ્રી દિવ્યસિંહ દેવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને તેમની જન્મશતાબ્દી નિમિત્તે ‘શાસ્ત્રપરંપરાકલ્પદ્રુમ’ સન્માનરૂપે ભક્તિમય અંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પ્રસ્થાનત્રયી પર ‘સ્વામિનારાયણ ભાષ્ય’ના ભાષ્યકાર મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને ‘ભાષ્ય મહાચાર્ય’ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પુરીના મહારાજા અને પૂર્વ ભારતના પાંચ રાજ્યોના પ્રતિષ્ઠિત વિદ્વાનો દ્વારા પ્રમુખસ્વામી મહારાજને સન્માન સુમનાંજલિ અર્પણ

પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં વિવિધ સામાજિક સેવાઓ કરીને માનવ સમાજને કૃતાર્થ કર્યો છે. તેમના વિવિધ પ્રદાનોમાં એક મહાન પ્રદાન છે: શાસ્ત્ર પરંપરાનું પોષણ. પ્રમુખસ્વામી મહારાજે સમાજોપયોગી અનેક વિષયો પર વિવિધ ભાષાઓમાં ગ્રંથોની રચના કરાવીને શાસ્ત્રોક્ત પરંપરાને નિરંતર વહેતી રાખી છે. મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી પાસે પ્રસ્થાનત્રયી પર સ્વામિનારાયણ ભાષ્ય રચાવીને ભાષ્યની રચના કરાવીને ભાષ્ય રચનાની પ્રાચીન પરંપરાને પુનર્જીવિત કરી છે.

પ્રમુખસ્વામી મહારાજની આ યુગવર્તી પ્રદાનને ધ્યાનમાં રાખીને, તેમના જન્મ શતાબ્દી અવસરે પૂર્વ ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ – ઉત્કલ પરિષદ, કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, જગન્નાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, મહર્ષિ વ્યાસદેવ રાષ્ટ્રીય પ્રાચ્ય ગવેષણા કેન્દ્ર તથા ભારતામૃત વાણી સેવા પ્રતિષ્ઠાન દ્વારા ‘શાસ્ત્રપરંપરાકલ્પદ્રુમ’ સન્માન સુમનાંજલિ અર્પણ કરવામાં આવી. તામ્રપત્ર પર અંકિત આ સન્માન જગન્નાથપુરીના મહામાન્ય મહારાજા ગજપતિ શ્રી દિવ્યસિંહ દેવના હસ્તે પ્રમુખસ્વામીજી મહારાજના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે “પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ મહાન સંત હતા. જગન્નાથ પુરી સાથે તેમનો ગાઢ સંબંધ રહ્યો છે.”

મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી ‘ભાષ્યકાર મહાચાર્ય’ની ઉપાધિથી વિભૂષિત

મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ ગુરુ પ્રમુખસ્વામી મહારાજની કૃપા અને પોતાના ભગીરથ પુરુષાર્થથી પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત ‘’અક્ષરપુરુષોત્તમ દર્શન’ સિદ્ધાંત અનુસાર સમગ્ર પ્રસ્થાનત્રયી પર ભાષ્ય લખીને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં યુગવર્તી પ્રદાન કર્યું છે. સેંકડો વર્ષો પછી સંપન્ન થયેલા આ ઐતિહાસિક કાર્યથી અભિભૂત થઈને પૂર્વ ભારતની સંસ્કૃત અને તત્વજ્ઞાનની પ્રમુખ સંસ્થાઓએ મળીને ભાષ્યકાર પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીજીને ‘ભાષ્યકાર મહાચાર્ય’ ઉપાધિથી સન્માનિત કરવાનું નક્કી કર્યું. આ ઉપક્રમે કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. શ્રીનિવાસ વરખેડીજી, તિરુપતિ સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના ભૂતપૂર્વ કુલપતિ પ્રો. હરેકૃષ્ણ શતપથિજી, આસામ સ્થિત કુમાર ભાસ્કર વર્મા સંસ્કૃત અને પુરાતન અધ્યયન વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. દીપક શર્માજી, રાષ્ટ્રીય કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ અને જાણીતા સંસ્કૃત વિદ્વાન પ્રો. પ્રફુલ્લચંદ્ર ત્રિપાઠીજી, કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય પરિસર, ત્રિપુરાના નિદેશક પ્રો. સુકાંત સેનાપતિજી જેવા વિખ્યાત વિદ્વાનોની હાજરીમાં આયોજિત પરિસંવાદના ઉદ્ઘાટન સત્રમાં જગન્નાથપુરીના મહારાજા ગજપતિ શ્રી દિવ્યસિંહ દેવના હસ્તે પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીજીને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ આ સન્માનને વિનમ્રતાપૂર્વક પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુ પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં આ સન્માન અર્પણ કર્યું હતું. સભામાં ઉપસ્થિત દરેકે અનુભવ્યું કે જાણે આ સન્માનથી સમગ્ર ભારતીય દાર્શનિક પરંપરાને સન્માનિત થઇ હતી.

પૂર્વ ભારતમાં ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ને સ્વતંત્ર વૈદિક દર્શન તરીકે સમર્થન

‘અક્ષરપુરુષોત્તમ દર્શન – અન્ય તત્વજ્ઞાન સાથે સંવાદ’ વિષય પર આયોજિત ત્રિદિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં પૂર્વ ભારતના પાંચ રાજ્યો ઓડિશા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, બિહાર અને આસામના વ્યાકરણ, ન્યાય વગેરે જેવા વિવિધ વિષયો અને અદ્વૈત, દ્વૈત, વિશિષ્ટાદ્વૈત વગેરે વેદાંત દર્શનના મૂર્ધન્ય વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંગોષ્ઠીમાં વિદ્વાનોએ ‘અક્ષર પુરુષોત્તમ દર્શન’ને લગતા વિવિધ વિષયો પર ૩૧થી વધુ સંશોધન પત્રો રજૂ કર્યા હતાં અને આ વિષયો પર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીની ઉપસ્થિતિમાં ચર્ચા સત્ર પણ યોજાયું હતું, જેમાં વિદ્વાનોએ પ્રશ્નોત્તરી દ્વારા પોત પોતાની જિજ્ઞાસાનું સંતોષકારક સમાધાન મેળવ્યું હતો.

ત્રણ દિવસીય પરિસંવાદના અંતે પ્રવચનો, ચર્ચાઓ વગેરે દ્વારા ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’નું વિવિધ દ્રષ્ટિકોણથી સૂક્ષ્મ પરીક્ષણના નિષ્કર્ષરૂપે તમામ વિદ્વાનોએ સર્વાનુમતે અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત વગેરેની જેમ ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’નો પણ એક વૈદિક અને સ્વતંત્ર દર્શન તરીકે સ્વીકાર કર્યો. આ પરિસંવાદના સમાપન સત્રમાં ૧૫૦થી વધુ મૂર્ધન્યવિદ્વાનોની ઉપસ્થિતિમાં કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, જગન્નાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, મહર્ષિ વ્યાસદેવ રાષ્ટ્રીય પ્રાચ્ય ગવેષણા કેન્દ્ર તથા ભારતામૃત વાણી સેવા પ્રતિષ્ઠાન જેવી પૂર્વ ભારતની પ્રમુખ વિદ્વાત્સંસ્થાનોએ તામ્રપત્ર પર અંકિત ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ને સમર્થન આપતો સમર્થન પત્ર અર્પણ કર્યો.

આ રીતે પૂર્વ ભારતમાં વિદ્વાનો દ્વારા ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ના સમર્થન અને સ્વાગતનો ઐતિહાસિક પ્રસંગ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવના અવસરે આનંદ, ઉલ્લાસ અને અહોભાવની લાગણી સાથે સંપન્ન થયો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share