letter to grishma
HOI Exclusive

બંધ હોઠોમાંથી બહાર આવવા મથતો એક ખુલ્લો પત્ર

પ્રિય ગ્રિષ્મા,

મને ખાત્રી છે કે સ્વર્ગમાં બેઠેલા તારા આત્માને સ્વર્ગના સુખો વચ્ચે પણ તારી ભિતરથી ઉઠતા આક્રોશની જ્વાળાઓ દઝાડતી હશે, અને એક એક નારીના અધૂરા રહી ગયેલા સપનાઓની અડધે રસ્તે વાગેલી ઠેસ અને એ ઠેસનું દર્દ તારી આંખના આંસુઓને સુકાવા નહીં દેતુ હોય.
બહેન ગ્રિષ્મા તારા ગળા ઉપર ફેરવાયેલી નિષ્ઠુર છરીની વેદના માત્ર તારી વેદના ન રહેતા લાખો લાખો કોડભરી કુંવારી કન્યાઓની વેદનાઓનો ચિત્કાર બની રહી છે. તારા અકાળ ક્રૂર મૃત્યુની વેદનાં કરતા મારી – અમારી સંવેદનામાં તરફડતી વધારાની વેદના એ છે કે તારા અપમૃત્યુ સમયે ત્યાં ઉભેલા નપુંસકોના ટોળાએ ઘટનાના સાક્ષી બનીને તને મરતી અને વહેરાતી જોવાનો જે નિષ્ક્રિય અને કાયર દાનવતાનો પૂરાવો આપ્યો છે. તે ફરી એકવાર અમારી માનસિકતાને નિર્ભયાની નિર્મમ હત્યાના સમયમાં લઇ જાય છે.
આમ તો પાંચ હજાર વર્ષ પહેલાં કૌરવોની ભરી સભામાં દ્રોપદીના ચીર ખેંચાયા કે દિલ્હીમાં નિર્ભયાની મોડી રાત્રે કરપીણ હત્યા થઇ કે પછી સૂરતમાં ગળું કાપીને તને મોતના મુખમાં ધકેલી દેવાઇ – આ ત્રણેય ઘટનાઓના સ્થળકાળને ભૂલી જઇએ તો સ્ત્રી સુરક્ષાની ડાહી વાતો માત્ર વાતોમાંને ભાષણોમાં કે મિડીયા માટેના સમાચારોમાં કે પછી મહાભારતની કથાના કેન્દ્રમાંથી સહેજ પણ બહાર નીકળી હોય તેમ લાગતું નથી.

વહાલી ગ્રિષ્મા, તારા અપમૃત્યુએ ફરી એકવાર નારી સલામતીના વાયદાઓ અને કાયદાઓના રેશમી અંચળા નીચે સુષુપ્ત થઇને સબડતી આદિનતાના અજગરનો જીવતા હોવાનો પૂરાવો પૂરો પાડ્યો છે.
ગ્રિષ્મા! આ આદિનતાની સફળતા અને 21મી સદીની નિષ્ફળતા એ સામાજીક અને રાજકીય ઉત્તરદાયિત્વના શીલ અને સમાજના ફરી એકવાર લીરેલીરા ઉડાડી દીધા છે.
નિર્ભયા ઉપર થયેલા અત્યાચારો વખતે જાગેલો ઉન્માદી આક્રોશને દિલ્હીના રામલીલા મેદાનમાં ભરાયેલી સભાઓને દિલ્હીના રાજઘાટ સહીત દેશભરમાં પ્રગટાવાયેલી મીણબત્તીઓના અજવાળાએ જન્માવેલી બધી આશાઓ તારા ગળા ઉપર ફેરવાયેલી છરીના ઘસરકા અને તેનાથી ઉડેલા લોહીના ફુવારામાં ઓલવાઇ ગઇ છે. દેશની કરોડો કરોડો ગ્રિષ્માઓ આ ઓલવાયેલી મીણબત્તીઓના અંધકારયુગમાં કબૂતરની જેમ ફફડી રહી છે. તને મારનારો હત્યારો તો આજે પણ નફ્ફટ થઇને કહી રહ્યો છે કે ‘ મેં કોઇ ગુનો કર્યો જ નથી” શું આ હત્યારાના વચનોને વ્યક્તિગત દોષ ગુણ ગણીશું તો આવનારા દિવસોમાં બીજી અનેક ગ્રિષ્માઓ અને નિર્ભયાઓએ ભયથી ફફડતા રહીને જીવતા રહેવું પડશે. આ વ્યક્તિગત નહીં પણ સમાજની માંદલી મનોદશાનું એક પાકીને ફુટી ગયેલું એક ગુમડું છે. આ ગુમડું તો માત્ર એક લક્ષણ છે, લક્ષણોનો ઇલાજ દર્દનો ઇલાજ ન હોઇ શકે. કદાચ સ્વર્ગમાં બેઠા બેઠા તને આવાજ વિચારો આવતા હશે. તું જાણે છે તેમ અહીં પૃથ્વી ઉપર તો આવા અરણ્ય રૂદનોનો કોઇ પ્રતિસાદ હજુ તો મળ્યો નથી કે નજીકના ભવિષ્યમાં મળવાના કોઇ એંધાણ વરતાતા નથી.

બસ એ શહીદા ગ્રિષ્મા કદાચ તારું સ્વર્ગ રૂદન કોઇ પરિણામ લાવે તેવા ચમત્કારની અપેક્ષામાં દિવસો પસાર કરતી અગણિત ગ્રિષ્માઓમાંની તારું સંવેદન લઇને ધરતી ઉપર હરતી ફરતી ભયભીત નિર્ભયા કે ગ્રિષ્માને
વંદના સભર વંદન…

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share