vishva matrubhasha divas
Literature

વિશ્વ માતૃભાષા દિવસ પર ગુજરાતના જાણીતા કવિઓના શેર માણો

વિશ્વ માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરીએ ઊજવવામાં આવે છે.  આ વખતની થીમ “ટેક્નોલોજી ફોર મલ્ટીલેંગ્વેજ લર્નિંગ” રાખવામાં આવી છે. યુનેસ્કોએ નવેમ્બર, 1999એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા ઊજવવાનો નિર્ણય કર્યો,ત્યારથી લઈને દર વર્ષે 21 ફેબ્રુઆરીએ એને મનાવવામાં આવે છે. એમએચઆરડી 21 ફેબ્રુઆરીએ દેશની ભાષાકીય વિવિધતાને ઉજાગર કરવા માટે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આવો માણીએ ગુજરાતના પ્રસિદ્ધ કવિઓના ચૂંટેલા શેર :

એ વિચારે ફૂલે ગજ ગજ મારી છાતી
હું ને મારી માતૃભાષા બંને છે ગુજરાતી
કવિ નર્મદ

ગુર્જરી! તુજથી જીવનરસ જોઈએ!
આવ મારા લોહીમાં વસ! જોઈએ..
ધનને માટે એક વંશજ કાફી છે
ભાષા માટે લાખ વારસ જોઈએ!
રઈશ મનીઆર

અંગ્રેજીમાં નખરા કરતી જીભ પર ,
ગુર્જરી મૂકી શકે તો આવજે
મેહુલ પટેલ ‘ઈશ’

જીભ ગુજરાતી મળી
એટલે ખ્યાતી મળી!
મેહુલ પટેલ ‘ઈશ’

વાત મારી જેને સમજાતી નથી,
એ ગમે તે હોય, ગુજરાતી નથી.
ખલીલ ધનતેજવી

ઈશ્વર તું હોય તો તારી ભાષા બોલ, લખ !
મેં ગુર્જરી બોલી અને ગુર્જરી લખી
સંજુ વાળા

આડે-અવળે નહીં, સીધા સામા મળો,
દિલ સુધી પહોંચો એ આશામાં મળો;
‘હાય-હેલ્લો’ છોડો, પૂછો- ‘કેમ છો?’
મળવું છે? તો માતૃભાષામાં મળો.
વિવેક મનહર ટેલર

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
અરદેશર ખબરદાર ‘અદલ’

કાગળ ઉપર એવો નાચે થાય કમરના કટકા
મા ગુજરાતી લાડ લડાવે શબ્દ કરે છે લટકા
પારુલ ખખ્ખર

નામ નરસિંહનું પડે કે ઓ મૂલકની પારના
સૌ ફરિશ્તા વેશ બદલી સદ્ય ગુજરાતી બને
હરીશ મિનાશ્રુ

નોંધ એના બેસણાની આવશે ગુજરાતીમાં
‘માતૃભાષાને બચાવો’ના કરે જે તાયફા
ભાવેશ ભટ્ટ

જીવ પેઠે સાચવે એને ‘અદમ’
ને ‘અદમ’ને સાચવે છે ગુર્જરી.
અદમ ટંકારવી

અંકલ નથી, છે કાકા મામા ફૂઆ ને માસા!
ફીક્કા છે એની પાસે સાકર અને પતાસા!
બોલી છે સાંભળી છે, જાણું છે એ બધી, પણ
ગુજરાતી જેવી મીઠ્ઠી લાગી ન કોઈ ભાષા!
સંદીપ પૂજારા

અંકિત ત્રિવેદી

ભાષા, મારી મા !
ગરવી ગુજરાતીનું ધાવણ સકળ વિશ્વને પા !

કચ્છી, કાઠીયાવાડી, સુરતી, ચરોતરી અલબેલી
વાઘેરી ને અમદાવાદી,ચાંપાનેરી અનેરી,
આ સઘળી દીકરીની વ્હાલી ગુર્જરી મારી મા !

મા,તારા ખોળામાં ખીલતા રંગબેરંગી ફૂલો,
વિધ વિધ બોલી માં મન ગહેકે, એવા ટહુકે ઝૂલો,
એક એક બોલી ને માંડી મંત્ર સ્વરૂપે ગા !

મા તારા અક્ષર આશિષે ઉજળો આ જન્મારો,
મા, તારા સૌ શબ્દ સંગાથે સફળ થયા અવતારો,
નરસિંહ થી નર્મદનું નમણું નાજુક નાણું આ !

ભાષા, મારી મા !
ગરવી ગુજરાતી નું ધાવણ સકળ વિશ્વને પા !

વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસની શુભકામનાઓ !

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share