Corona Vaccine
Gujarat

રાજ્યભરમાં 3જાન્યુઆરીથી 9મી જાન્યુઆરી દરમિયાન વેક્સિનેશન માટે ખાસ અભિયાન યોજાશે

કોવિડ-19થી રાજ્યના બાળકોને સુરક્ષિત કરવા માટે રાજ્યભરમાં આગામી 3જી જાન્યુઆરીથી 9મી જાન્યુઆરી દરમિયાન વેક્સિનેશન માટે ખાસ અભિયાન હાથ ધરાશે. તા. 7મી જાન્યુઆરીએ મહા અભિયાન હેઠળ એક પણ બાળક રહી ન જાય તે માટે સંનિષ્ઠ પ્રયાસો કરાશે. શનિવારે રાજ્યના મ્યુનિસિપલ કમિશનર જિલ્લા કલેક્ટરો સાથે આ અભિયાનની તૈયારીની ચર્ચા વિચારણા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે મીડિયાને વિગતો આપતા કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વેક્સિનેશન અભિયાનની સંપૂર્ણ તૈયારી કરીને તમામ વ્યવસ્થાઓ કરી દેવાઈ છે. આ અભિયાન હેઠળ 15 થી 18 વર્ષના અંદાજે 36 લાખ બાળકોને આવરી લેવાનું આયોજન છે. જેમાં શાળાઓ, આઈટીઆઈ કે શાળાએ ન જતા બાળકોને પણ આવરી લેવાશે. ઉપરાંત દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો તથા માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા બાળકોને સાચવતી સંસ્થાઓને પણ આવરી લેવાશે.

તેમણે ઉમેર્યું કે આ બાળકોને હાલ કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ અપાશે. આ માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં અંદાજે 3500 થી વધુ સેન્ટરો કાર્યરત કરાશે અને સ્થાનિકકક્ષાએ જરૂરિયાત મુજબ સેશન વધારાશે તેમજ સેશનનો સમય હાલ જે સવારે 9.00 કલાકથી 6.00 કલાક છે તે પણ વધારવાનું આયોજન કરાયું છે.

આ માટે તારીખ પહેલી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે તેમજ ઓન ધ સાઈટ પર પણ રજિસ્ટ્રેશન કરી શકાશે. રજીસ્ટ્રેશન સમયે આધારકાર્ડ, વાહનનું લાઈસન્સ હોય તો તેનાથી રજીસ્ટ્રેશન થશે. આવા કોઈ પુરાવા ન હોય તો પણ બાળક રસીથી વંચિત ન રહે એ માટે કોઈ એક મોબાઈલ નંબર આપવાનો રહેશે. જેમાં માતા-પિતા, મિત્ર કે શાળાના શિક્ષક-આચાર્યનો મોબાઇલ નંબરથી પણ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે આ અભિયાન હેઠળ તારીખ 7 મી જાન્યુઆરીએ રાજ્યભરમાં ખાસ મહા અભિયાન હાથ ધરાશે. જેમાં તમામ બાળકો અને ધોરણ-10 માં અભ્યાસ કરતા બાળકોના રસીકરણ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે જેથી બોર્ડની પરીક્ષાના સમયે કોઈપણ પ્રકારની તકલીફ પડે નહીં.

અગ્રવાલે ઉમેર્યુ કે 60 વર્ષથી વધુ વયના કોમોર્બિડ વયસ્કો, ફ્રન્ટ લાઇન વર્કર, હેલ્થ વર્કરને પણ આગામી તા. 10 મી જાન્યુઆરીથી પ્રોત્સાહક ડોઝ આપવા માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે. જેમાં અંદાજે 13 થી 14 લાખ વયસ્કોનો ડેટા આરોગ્ય વિભાગ પાસે તૈયાર છે. તેમજ બીજા ડોઝ બાદ 39 અઠવાડિયા પૂર્ણ થશે તેમ તેમ તમામને આ પ્રોત્સાહક ડોઝ આપવાનું આયોજન કરી દેવાયું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share